ભારતીય રેલવે તરફથી દર વર્ષે તમામ વર્ગના પ્રવાસીઓને કુલ રૂ. 56,993 કરોડની સબસિડી આપવામાં આવે છે જેમાં પ્રત્યેક ટિકિટ દીઠ 46 ટકાની છૂટનો પણ સમાવેશ થાય છે તેમ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે લોકસભામાં જાણકારી આપતાં જણાવ્યું હતું.
લોકસભામાં રેલવે પ્રવાસીઓને વિભિન્ન વર્ગમાં આપવામાં આવતી છૂટ બહાલ કરવાને સંબંધમાં પૂછવામાં આવેલા વિભિન્ન પ્રશ્નોનો જવાબ આપતાં વૈષ્ણવે જણાવ્યું હતું કે જો ટિકિટની કિંમત 100 રૂપિયા છે તો રેલવે તેમાંથી ફક્ત 54 રૂપિયા જ લે છે એટલે કે રેલવે યાત્રીઓને 46 ટકાની સબસિડી મળે છે. વૈષ્ણવે પ્રશ્નકાળ દરમિયાન જણાવ્યું હતું કે ભારતીય રેલવે તરફથી તમામ વર્ગના પ્રવાસીઓને દર વર્ષે કુલ 56,993 કરોડ રૂપિયાની સબસિડી આપવામાં આવે છે. પ્રશ્નકાળ દરમિયાન જ્યારે તેમને વરિષ્ઠ નાગરિકો અને માન્યતાપ્રાપ્ત પત્રકારોને પહેલેથી મળતી છૂટને જાળવી રાખવા અંગે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેના જવાબમાં રેલવે મંત્રીએ જણાવ્યું હતું કે સરકાર પ્રવાસીઓના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે અને આ મુદ્દે પણ વિચારણા કરવામાં આવશે.