સુપ્રીમ કોર્ટે પંજાબ-હરિયાણાની શંભૂ બોર્ડર પર ધરણા કરી રહેલા આંદોલનકારી ખેડૂતોને તેમનું વિરોધ પ્રદર્શન હંગામી ધોરણે રોકી દેવા અથવા તો હાઇવે પરથી ખસી જવા શુક્રવારે આદેશ કર્યો હતો. સર્વોચ્ચ અદાલતે આંદોલનકારી ખેડૂતોને ગાંધીવાદી માર્ગ અપનાવવા કહ્યું હતું.
કોર્ટે વધુ સુનાવણી 17 ડિસેમ્બર સુધી મુલતવી રાખી હતી. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ ઉજ્જલ ભુયાનની બેન્ચે છેલ્લા 17 દિવસથી ઉપવાસ પર બેઠેલા પંજાબના ખેડૂત આગેવાન જગજિતસિંહ ડલ્લેવાલને તત્કાળ તબીબી સહાય પૂરી પાડવા પણ આદેશ કર્યો હતો. બેન્ચે નોંધ્યું હતું કે ડલ્લેવાલનું સ્વાસ્થ્ય કથળી રહ્યું છે. તેઓ સિનિયર સિટિઝન છે અને તેમને સ્વાસ્થ્યલક્ષી ઘણી તકલીફો છે. તેઓ એક જાણીતા ખેડૂત અગ્રણી હોવાના નાતે તેમના ઉપવાસ તોડયા વિના તેમને તત્કાળ તબીબી સહાય પૂરી પાડવાની કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની જવાબદારી બને છે.
બેન્ચે ઠરાવ્યું કે તેણે નીમેલી હાઇ પાવર્ડ કમિટીના મેમ્બર સેક્રેટરી ખેડૂતોને મનાવવા માટેના પ્રયાસો કરશે. ત્યાં સુધી ખેડૂતોએ વિરોધ પ્રદર્શન રોકી રાખવું જોઇએ કે પછી અન્યત્ર ખસી જવું જોઇએ. અમે એમ નથી કહી રહ્યા કે તેમણે વિરોધ પ્રદર્શન ન કરવું જોઇએ. કોર્ટે એવો મત વ્યક્ત કર્યો હતો કે વાટાઘાટો જારી હોવાથી વિરોધ પ્રદર્શન થોડો સમય રોકી દેવું જોઇએ. જો કંઇ ઉકેલ ન આવે તો વિરોધ પ્રદર્શન જારી રહી શકે છે. કમિટીનું મુખ્ય કામ ખેડૂતોને અન્યત્ર ખસી જવા કે વિરોધ પ્રદર્શન થોડા સમય માટે મોફુક રાખવા સમજાવવાનું છે, જેથી શંભૂ બોર્ડર પર રસ્તા ક્લિયર થાય. ખેડૂતો પર બળપ્રયોગ ન કરવા કોર્ટે ખાસ ટકોર કરી હતી. નોંધનીય છે કે ડલ્લેવાલ ખેડૂતોના પાકો પર એમએસપીની કાનૂની ગેરંટી સહિત આંદોલનકારી ખેડૂતોની માગણીઓના સમર્થનમાં કેન્દ્ર સરકાર પર દબાણ લાવવા ગત 26 નવેમ્બરથી પંજાબ-હરિયાણા વચ્ચેની ખનૌરી બોર્ડર પર આમરણ ઉપવાસ પર ઉતર્યા છે.