ભારતમાં ડૉકટર, શિક્ષક અને આર્મી જવાનનો વ્યવસાય ઘણો વિશ્વસનીય અને પ્રતિષ્ઠાપાત્ર ગણવામાં આવે છે જયારે રાજકારણીઓ, સરકારી પ્રધાનો અને પૂજારીનાં વ્યવસાયને ઓછો પ્રતિષ્ઠિત ગણવામાં આવે છે. Ipsos દ્વારા કરાયેલા સરવેમાં આ તારણ રજૂ કરાયું છે.Ipsos દ્વારા 32 દેશોમાં કેટલાક વ્યવસાયની વિશ્વસનિયતા અને પ્રતિષ્ઠા અંગે સરવે કરાયો હતો.
જેમાં વિશ્વમાંથી 23,530 લોકોનાં અભિપ્રાય મેળવવામાં આવ્યા હતા. ભારતનાં 2200 લોકોએ તેમાં ભાગ લીધો હતો. શહેરી ભારતીયો ડૉકટરનાં વ્યવસાયને 57 ટકા પ્રતિષ્ઠિત ગણાવ્યો હતો. જ્યારે લશ્કરનાં જવાનોની કામગીરીને 56 ટકા બિરદાવી હતી. શિક્ષકોને પણ 56 ટકા મત આપ્યા હતા.
જાહેર સેવામાં મોખરે રહેનાર આ લોકોએ કોરોનાની મહામારી વખતે ડેડિકેશન સાથે તેમનાં મૂલ્યો જાળવીને કામ કર્યું હતું. વૈજ્ઞાનિકોનો વ્યવસાય 54 ટકા, જજિસની કામગીરી 52 ટકા અને બેન્કર્સની કામગીરીને 50 ટકા બિરદાવવામાં આવી હતી. આ પછી આમઆદમીને 49 ટકા અને પોલિસને 47 ટકા મત મળ્યા હતા. વિશ્વ સ્તરે પણ ડૉકટરોને 58 ટકા અને વૈજ્ઞાનિકોને 56 ટકા તથા શિક્ષકોને 54 ટકા મત મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે ભારતમાં તબીબોને અદકેરું સ્થાન અપાય છે.
ઓછા પ્રતિષ્ઠિત વ્યવસાયો
ભારતમાં ઓછા પ્રતિષ્ઠિત વ્યવસાયોમાં રાજકારણીઓને 31 ટકા, સરકારી પ્રધાનોને 28 ટકા, પૂજારીને 27 ટકા મત મળ્યા હતા. કેટલાક કૌભાંડો અને મૂલ્યોનું પાલન નહીં કરવા માટે તેમની પ્રતિષ્ઠા ઘટી હતી. પોલિસની કામગીરીને ફ્ક્ત 28 ટકા, ટીવી ન્યૂઝ એન્કર્સને 25 ટકા મત મળ્યા હતા.