સુરત શહેરને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. 80 વર્ષ વૃદ્ધ સાસુને વહુ મારતી હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સુરતની પુણા માતૃશક્તિ સોસાયટીની આ ઘટના હોવાનું સામે આવ્યું છે. ઘરના પેસેજમાં જ વૃદ્ધ સાસુને ઘસડી ઘસડીને વહુ મારતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જો કે આ વીડિયોની પુષ્ટી સંદેશ ન્યૂઝ કરતું નથી.
વૃદ્ધાને ઘરના પેસેજમાં ઘસડી ઘસડીને વહુએ માર માર્યો
એક જાગૃત નાગરિક દ્વારા આ ઘટનાની વીડિયો ઉતારીને મહિલા વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ અને વુમન ઈમ્પ્રુવમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટને જાણકારી આપી અને ત્યારબાદ ટ્રસ્ટના હોદ્દેદાર શીતલબેન ભડિયાદરા અને ચેતનાબેન સાવલિયાએ પુણા પોલીસને જાણ કરી છે. વહુ સરસ્વતી શેલડીયા માર મારતી હોવાનું વીડિયોમાં જોઈ શકાય છે. 80 વર્ષના વૃદ્ધા શાંતાબેન શેલડીયાને માર મારવામાં આવી રહ્યો છે, તે વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે.
સમગ્ર મામલો પુણા પોલીસ મથકે પહોંચ્યો
આ સમગ્ર ઘટના બાદ પુણા પોલીસને સાથે રાખીને વૃદ્ધાને વૃદ્ધાશ્રમ લઈ જવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. ત્યારે વૃદ્ધાના પૌત્ર હિરેનભાઈ શેલડીયાએ પણ વૃદ્ધાને લઈ જવા મનાઈ કરી છે અને આ સમગ્ર મામલો પુણા પોલીસ મથકે પહોંચ્યો છે. ટ્રસ્ટ દ્વારા પોલીસ કાર્યવાહી કરીને વૃદ્ધાને મુક્ત કરવામાં આવશે.