બંગાળનાં અખાતમાં સર્જાયેલું ચક્રવાતી વાવાઝોડું દાના ગુરુવારે રાત્રે 12 કલાકે ઓડિશા તેમજ પશ્ચિમ બંગાળનાં દરિયાકાંઠે ટકરાયું હતું. શુક્રવારે સવારે 9 કલાકની આસપાસ વાવાઝોડું ત્રાટકવાની પ્રોસેસ પૂરી થઈ હતી.
વાવાઝોડું ટકરાયું ત્યારે પવનની ગતિ કલાકનાં 120 કિ.મી હતી જે 8.30 કલાક પછી ઘટીને કલાકનાં 10 કિ.મી થઈ ગઈ હતી. વાવાઝોડું દાના નબળું પડયા પછી તોફાની પવનને કારણે ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં વરસાદનું જોર રહ્યું હતું. દાનાની 7 રાજ્યોને અસર થઈ હતી. શુક્રવારે ફ્લાઇટ્સ અને ટ્રેનસેવાઓ તબક્કાવાર આંશિક રીતે શરૂ થઈ હતી. પવન અને આંધીને કારણે અનેક સ્થળે વૃક્ષો પડી ગયા હતા અને વાહનવ્યવહાર ખોરવાયો હતો. ઠેકઠેકાણે કાચા મકાનો તૂટી ગયા હતા. માલમિલકતને ભારે નુકસાન થયું હતું. પશ્ચિમ બંગાળમાં વાવાઝોડાને કારણે એક વ્યક્તિનું મોત થયું હતું. ઓડિશાનાં ભદ્રક અને કેન્દ્રપાડામાં 2 ઈંચ જેટલો વરસાદ પડયો હતો. ચક્રવાતને કારણે ઓડિશા અને બંગાળમાંથી 12 લાખ લોકોનું સ્થળાંતર કરાયું હતું તેમને રિલીફ કેમ્પમાં ખસેડવામાં આવ્યા હતા. વાવાઝોડાની અસરને કારણે ઓડિશા અને બંગાળનાં અનેક વિસ્તારોમાં હજી ભારેથી હળવો વરસાદ પડી રહ્યો છે.
પશ્ચિમ બંગાળમાં એકનું મોત
વાવાઝોડાને કારણે પશ્ચિમ બંગાળમાં એક વ્યક્તિનું મોત થયું હતું. સીએમ મમતા બેનરજીએ કહ્યું હતું કે નીચાણવાળા વિસ્તારોમાંથી 2.16 લાખ લોકોને સુરક્ષિત ખસેડવામાં આવ્યા હતા. તમામને રાહત સામગ્રી પહોંચાડવામાં આવી હતી. રાહત શિબિરમાં પણ એકનું મોત થયું હતું.
વાવાઝોડું નબળું પડીને ભારે હવાનાં દબાણમાં ફેરવાયું
હવામાન ખાતાનાં DG ડૉ. મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે ચક્રવાત દાના હવે નબળું પડયું છે જે ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધી શકે છે. સાંજે તે હવાના ભારે દબાણનાં પટ્ટામાં ફેરવાયું હતું. તેની તીવ્રતા ઓછી થઈ ગઈ હતી. જો કે આને કારણે હજી ઓડિશા અને બંગાળનાં કેટલાક જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.
સાત રાજ્યોમાં ચોમાસા જેવો વરસાદ પડયો
વાવાઝોડું દાનાની અસર ઓડિશા અને પશ્ચિમ બંગાળ ઉપરાંત આંધ્રપ્રદેશ, ઝારખંડ, બિહાર, છત્તીસગઢ અને તામિલનાડુમાં જોવા મળી હતી. પશ્ચિમ બંગાળમાં 83,000થી 1 લાખ લોકોને સલામત સ્થળે રાહત છાવણીમાં લઈ જવાયા હતા. ઓડિશાનાં ભદ્રક અને કેન્દ્રપાડા તેમજ બંગાળનાં પૂર્વ મેદિનીપુર અને દીઘા દરિયાકિનારે વાવાઝોડાની ભારે અસર થઈ હતી. દરિયાકિનારે તોફાની મોજા ઊછળ્યા હતા. ઓડિશામાં NDRF તેમજ ફાયર બ્રિગેડની 288 ટીમ તહેનાત કરાઈ હતી. ઓડિશાનાં દરિયાકાંઠાનાં 30 જિલ્લા પૈકી 14 જિલ્લામાં વાવાઝોડાએ તબાહી મચાવી હતી.
300 ફ્લાઇટ્સ અને 552 ટ્રેનો રદ કરાઈ હતી જે આંશિક ચાલુ થઈ
કોલકાતા અને ભુવનેશ્વર એરપોર્ટ ખાતે વાવાઝોડાને ધ્યાનમાં લઈને ગુરુવારે 300 ફ્લાઇટ્સ અને 552 ટ્રેનો રદ કરાઈ હતી જેનું શુક્રવારે આંશિક ઓપરેશન ચાલુ કરાયું હતું. રેલવેએ રદ કરેલી ટ્રેનો સિવાય અન્ય ટ્રેનોને નિયત સમય મુજબ દોડાવવાની જાહેરાત કરી હતી.