23 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, નવેમ્બર 21, 2024
23 C
Surat
ગુરુવાર, નવેમ્બર 21, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતસ્લીપર - બેલાસ્ટર વચ્ચે ખાડો કરી પાટાનો કટકો ત્રાંસો મુક્યો | Cut...

સ્લીપર – બેલાસ્ટર વચ્ચે ખાડો કરી પાટાનો કટકો ત્રાંસો મુક્યો | Cut a hole between the sleeper ballast and lay the piece of track diagonally



– અજાણ્યા શખ્સોનું ષડયંત્ર નાકામ, માત્ર એન્જિનને જ નુકશાન

– એક સ્લીપર તૂટી ગયું, એક સ્લીપરમાં ઘસારાના નિશાન : સિનિયર સેક્શન એન્જિનિયરે પોલીસ ફરિયાદ નોંધાવી

ભાવનગર : બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના કુંડલી ગામની સીમમાં અજાણ્યા શખ્સોએ સ્લીપર અને બેલાસ્ટર વચ્ચે ખાડો કરી પાટાનો કટકો ત્રાસો મુકી ટ્રેન ઉથલાવવાનું નાકામ ષડયંત્ર રચ્યાની ઘટનામાં સિનિયર સેક્શન એન્જિનિયરે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ ઓખાથી ભાવનગર જઈ રહેલી ટ્રેન નં.૧૯૨૧૦ મધરાત્રિના ૨-૫૯ કલાકે રાણપુરના કુંડલી ગામની સીમમાં કુંડલી રેલવે સ્ટેશનથી બોટાદ રેલવે સ્ટેશન વચ્ચે કિ.મી.૬૯/૪થી કિ.મી. ૬૯/૫ વચ્ચેથી પસાર થઈ રહી હતી. ત્યારે કોઈ અજાણ્યા શખ્સોએ ટ્રેનને અવરોધરૂપ થાય અને મુસાફરોને હાનિ પહોંચાડવાના બદઈરાદે બે પાટા વચ્ચે મીટર ગેજની જૂની રેલવે લાઈનનો આશરે ચાર ફૂટ લંબાઈનો એક કટકો સ્લીપર અને બેલાસ્ટર વચ્ચે ખાડો કરી પાટાનો કટકો ત્રાસો મુકી દઈ ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કર્યો હતો. આ પાટાના કટકા સાથે અથડાતા રેલ એન્જિનને નુકશાન થયું હતું અને એન્જિન બંધ પણ પડી ગયું હતું.

ટ્રેનના લોકો પાયલોટ અને ટ્રેન મેનેજરે આ બાબતની જાણ ભાવનગર કંટ્રોલને કરી હતી. બાદમાં સ્થળ ઉપર પહોંચી તપાસ કરતા આશરે ચાર ફૂટ લંબાઈનો જૂની રેલવે લાઈટનનો એક કટકો (પાટો) રેલવેના પાટા વચ્ચે પડેલો જોવા મળ્યો હતો. તેમજ રેલવે લાઈનના બે પાટા વચ્ચે ફીટ કરવામાં આવેલ સિમેન્ટના એક સ્લીપર પર ઘસારાના નિશાન તેમજ એક સ્લીપર તૂટી ગયાનું પણ માલૂમ થયું હતું. આ બાબતે ભાવનગર રેલવેના એન્જિનિયરીંગ વિભાગમાં સિનિયર સેક્શન એન્જિનિયર (રેલ પથ) તરીકે ફરજ બજાવતા હરકેશ મુથરાલાલ મીના (ઉ.વ.૪૩, રહે, બોટાદ રેલવે કોલોની, ક્વાર્ટર નં.ઈ/૨૨૦/સી, રેલવે ગ્રાઉન્ડ, રેલવે સ્ટેશન બોટાદ, મુળ ગજુપુરા ગામ, તા.ટોડાભીમ, જિ.ગંગાપુર સિટી, રાજસ્થાન)એ રાણપુર પોલીસમાં ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પીએસઆઈ ડી.બી. પલાસે હાથ ધરી છે. 

ઉલ્લેખનિય છે કે, અજાણ્યા શખ્સોનું ટ્રેન ઉથલાવવાનું ષડયંત્ર નાકામ રહ્યું છે. આ ઘટનામાં માત્ર એન્જિનને જ નુકશાન થયું હતું. જ્યારે રેલવે ટ્રેકમાં સિમેન્ટનો એક સ્લીપર તૂટી ગયો હતો. રેલયાત્રિકોને કોઈ જ નુકશાન થયું ન હતું.

કઈ કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો ?

ઓખા-ભાવનગર ટ્રેનને ઉથલાવવાના પ્રયાસની ઘટનામાં રેલવે તરફથી રાણપુર પોલીસમાં ગુનો દાખલ કરાવવામાં આવ્યો હતો. જેના આધારે પોલીસે અજાણ્યા શખ્સો સામે બીએનએસ (ભારતીય ન્યાય સંહિતા)ની કલમ ૩ (૫), ૬૧ (ર), ૬૨, ૧૨૫, સાર્વજનિક મિલકતોને નુકશાન અટકાવવાના અધિનિયમની કલમ ૩ અને ભારતીય રેલવે અધિનિયમની કલમ ૧૫૦ (૧) (એ), ૧૫૦ (ર) (બી) હેઠળ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે તપાસાર્થે ચાર ટીમ બનાવી, રેલવેએ તપાસ કમિટીની રચના કરી

ઓખા-ભાવનગર ટ્રેનને ઉથલાવવાના પ્રયાસની ગંભીર ઘટના બાદ પોલીસ અને રેલવે વિભાગે તાબડતોડ તપાસનો ધમધમાટ આદરી દીધો હતો. ભાવનગર રેલવેના એન્જિનિયરિંગ વિભાગના સિનિયર સેક્શન એન્જિનિયરે અજાણ્યા શખ્સો સામે રાણપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે અલગ-અલગ ચાર ટીમનું ગઠન કરી ઝીણવટભરી તપાસ આદરી ષડયંત્રના સોદાગરોને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે. પોલીસ પોતાની રીતે તપાસ કરશે. જ્યારે આરપીએફ દ્વારા પણ અલગથી તપાસ ચાલી રહી છે તેમ બોટાદ જિલ્લા પોલીસ વડા કિશોર બળોલિયાએ વાતચીતમાં જણાવ્યું હતું. બીજી તરફ આ દુર્ઘટનાના મૂળ સુધી પહોંચવા માટે ભાવનગર રેલવે તંત્ર દ્વારા પણ તપાસ કમિટીની રચના કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

બનાવ સ્થળ આસપાસનું ડ્રોનથી નિરીક્ષણ, ડોગ સ્કર્વોેડે પણ તપાસ કરી

ઓખા-ભાવનગર પેસેન્જર ટ્રેન (૧૯૨૧૦)ને ઉથલાવવાના પ્રયાસની ભાવનગર રેલવે તંત્ર તરફથી પોલીસને સાડા ચાર કલાક બાદ સવારે ૭-૩૦ કલાકે જાણ કરવામાં આવતા બોટાદ જિલ્લા પોલીસનો કાફલો સ્થળ ઉપર દોડી ગયો હતો અને પ્રાથમિક તપાસની સાથે આરોપીઓનું પગેરું શોધવા માટે ડ્રોન કેમેરા ઉડાડી બનાવ સ્થળ આસપાસના વિસ્તારનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ડોગ સ્કર્વોેડ પણ તપાસમાં જોડાઈ હતી.

ઓખા ટ્રેન 3 કલાક મોડી પડી, મુસાફરો રઝળ્યા

કુંડલી-બોટાદ રેલવે સ્ટેશન વચ્ચે ટ્રેન ઉથલાવવાના નાકામ પ્રયાસમાં એન્જિનનું પ્રેશર ઘટી જતાં ટ્રેન ઉભી રહી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં ભાવનગર રેલવેના બાબુઓ સ્થળ ઉપર પહોંચ્યા હતા અને બંધ પડેલા એન્જિનને કોચમાંથી અલગ કરી ભાવનગરથી એન્જિન બોલાવી તેમાં કોચ જોડી ટ્રેનને ભાવનગર ટર્મિનસ પહોંચાડવામાં આવી હતી. જેના કારણે ઓખા ટ્રેન ત્રણ કલાક મોડી પડતાં મુસાફરો રઝળી પડયા હતા. જો કે, સમયના વ્યયની સામે જીવ બચ્યો તેનો એક-એક મુસાફરોએ હાશકારો લીધો હતો.

એન્જિન અથડાયા બાદ સાત મિનિટ સુધી રેલગાડી દોડી

ભાવનગર આવી રહેલી ઓખા ટ્રેનનું એન્જિન રાત્રિના ૨-૫૮ કલાકે રેલવે લાઈનના લોખંડના કટકા સાથે અથડાયા ટ્રેનના લોકો પાયલોટને શું થયું ? તેનું ગતાગમ જ ન રહ્યું હતું. આ સમયે ટ્રેન તેની નિર્ધારીત સ્પીડે ટ્રેક ઉપર દોડી રહી હતી. પરંતુ ટ્રેન ઉલાવવાના પ્રયાસના કારણે લોકો (એન્જિન)નું પ્રેશર ઘટી ગયું હતું અને સાત મિનિટ સુધી દોડયા બાદ રેલગાડી રાત્રે ૩-૦૫ કલાકે ઉભી રહી ગઈ હતી.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય