ટેસ્ટ ક્રિકેટમાં એક યુનિક રેકોર્ડ નોંધાયો છે. ઇંગ્લેન્ડની ટીમ ટેસ્ટ ક્રિકેટમાં પાંચ લાખ રનનો મેજિક માઇલસ્ટોન હાંસલ કરનાર વિશ્વની પ્રથમ ટીમ બની ગઈ છે. ઇંગ્લેન્ડને આ આંકડો હાંસલ કરવા માટે કુલ 1,082 મેચ અને 717 પ્લેયર્સની મદદથી લીધી છે. ઇંગ્લેન્ડે 1,877માં પોતાની પ્રથમ ટેસ્ટ ઓસ્ટ્રેલિયા સામે રમી હતી.
ઇંગ્લેન્ડ વર્લ્ડ ક્રિકેટમાં સર્વાધિક ટેસ્ટ રમનાર ટીમ પણ છે. ટેસ્ટ ક્રિકેટમાં એક્સ્ટ્રા રનનો ઉમેરો કરવામાં આવે તો ઇંગ્લેન્ડની ટીમ પાંચ લાગ 32 હજાર રનની નજીક છે. આ યાદીમાં ઓસ્ટ્રેલિયા ચાર લાખ 28 હજાર પ્લસ રન સાથે બીજા ક્રમે છે. ભારતીય ટીમ ત્રીજા ક્રમે છે અને તે ઇંગ્લેન્ડ તથા ઓેસ્ટ્રેલિયાની તુલનામાં રનના મામલે ઘણી પાછળ છે. ભારતે અત્યાર સુધી રમેલી 586 ટેસ્ટ મેચમાં 316 પ્લેયર્સની મદદથી બે લાખ 79 હજાર પ્લસ રન બનાવ્યા છે. જો એક્સ્ટ્રા રન ઉમેરવામાં આવે તો ભારતના નામે બે લાખ 95 પ્લસ રન છે. હાલમાં વેલિંગ્ટન ખાતે ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે તથા એડિલેડ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ રહી છે અને આ બંને ટેસ્ટના આંકડા તેમાં ઉમેરવામાં આવશે.