Surat : સુરત બારડોલી રોડ પર ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે 39 કરોડના ખર્ચે ફ્લાય ઓવરબ્રિજ નિર્માણની કામગીરી ચાલી રહી છે પરંતુ સુરત ડુમસ રોડ પર ટ્રાફિકની કાયમી સમસ્યા હળવી કરવા માટે સ્થાનિક કોર્પોરેટરે પોલીસ અને પાલિકા વચ્ચે સંકલન કરીને કરોડોના ખર્ચે ઓવર બ્રિજ બનાવવાના બદલે બીઆરટીએસનું બસ સ્ટેન્ડ દૂર કરવામાં આવે તો ટ્રાફિક સમસ્યા હળવી થાય તેવી રજૂઆત કરી છે. પોલીસ અધિકારીની સ્થળ મુલાકાત દરમિયાન હકારાત્મક અભિગમ જોતા કોર્પોરેટરે મેયર-કમિશ્નરને રજુઆત કરીને ફ્લાય ઓવર બ્રિજના બદલે બસ સ્ટેન્ડ હટાવવાનો પ્રયોગ કરવા માટે રજૂઆત કરી હતી. જો આ પ્રયોગ સફળ થાય તો પાલિકાનો ફ્લાય ઓવર બ્રિજ બનાવવાના કરોડો રૂપિયા બચે અને લોકોને ટ્રાફિક સમસ્યાથી પણ રાહત મળી શકે છે.
સુરતમાં વસ્તી સાથે વાહનોની સંખ્યા વધી રહી છે તેના કારણે ટ્રાફિક સમસ્યા પણ દિવસેને દિવસે વધી રહી છે. પાલિકા ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે બ્રિજ, ફ્લાય ઓવરબ્રિજ અને રસ્તા પહોળા કરવાની કામગીરી કરી રહી છે તેમ છતાં અનેક વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા વધી રહી છે.