વડોદરા પાલિકાની સામાન્ય સભામાં કોર્પોરેટરમાં રોષ જોવા મળી રહ્યો છે. પાલિકાની સામાન્ય સભામાં ભાજપના કાઉન્સિલર સ્નેહલ પટેલે પીવાના પાણી મુદ્દે રજૂઆત કરી હતી. વોર્ડ નંબર 16માં પીવાના પાણી અને દૂષિત પાણીની સમસ્યા મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી.
કોર્પોરેટર સ્નેહલ પટેલે કરી પાણી મુદ્દે રજૂઆત
ત્યારે વારંવારની રજૂઆત છતાં પણ કોઈ કામગીરી નહીં થતાં કાઉન્સિલરમાં રોષ જોવા મળ્યો હતો અને વિસ્તારના પુર પીડિતોને હજુ સુધી સહાય નહીં મળી હોવાની પણ સભામાં રજૂઆત કરવામાં આવી હતી. કોર્પોરેટરે કહ્યું કે લોકો સહાયના ફોર્મ કોર્પોરેટરોના ઘરે આપી જાય છે, સભામાં સહાયના ફોર્મ બતાવી ફોર્મ ડેપ્યુટી કમિશનરને સુપ્રત પણ કરવામાં આવ્યા. ત્યારે આ મામલે વહેલી તકે નાગરિકોને સહાય મળે અને પાણીની સમસ્યાનું નિરાકરણ આવે તે મુદ્દે તંત્ર પાસે કરી માગ કરવામાં આવી છે.
કોર્પોરેશનની સામાન્ય સભામાં પાણીના મુદ્દે ઘમાસાણ
તમને જણાવી દઈએ કે ગઈકાલે પણ કોર્પોરેશનની સામાન્ય સભામાં પાણીના મુદ્દે ઘમાસાણ મચ્યું હતું. પાણીની સમસ્યાને લઈ ભાજપ અને કોંગ્રેસના કાઉન્સિલરો આમને સામને જોવા મળ્યા હતા. દિવાળી બાદ યોજાયેલી પ્રથમ સભામાં કોંગ્રેસના કાઉન્સિલરોએ પાણી મુદ્દે આક્ષેપોનો મારો ચલાવ્યો હતો અને માનવ સર્જિત પૂરની સમસ્યા સંદર્ભે પણ કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા હતા. બીજી તરફ કોંગ્રેસ કાઉન્સિલરોના સવાલોના જવાબો નહીં મળતા કાઉન્સિલરોએ ઓફ ફ્લોર પર બેસીને વિરોધ નોંધાવ્યો હતો.