વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં ચાર વર્ષ બાદ પહેલી વખત એફવાયબીકોમના વિદ્યાર્થીઓના પહેલા સેમેસ્ટરની ફાઈનલ પરીક્ષા ડિસેમ્બરમાં લેવાશે.કોમર્સ ફેકલ્ટીના અધ્યાપકોની આજે બોલાવવામાં આવેલી બેઠકમાં એન્ડ સેમેસ્ટર એટલે કે ફાઈનલ પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી હતી.
પરીક્ષા લેવાના મૂકાયેલા પ્રસ્તાવ અનુસાર એફવાયબીકોમના ઓનર્સના વિદ્યાર્થીઓની અને એમકોમ પ્રિવિયસ તેમજ પીજી ડિપ્લોમાના વિદ્યાર્થીઓની એન્ડ સેમેસ્ટર પરીક્ષા તા.૨૩ ડિસેમ્બરથી શરુ થશે.જ્યારે ટીવાયબીકોમની પરીક્ષાનો તા.૫ ડિસેમ્બર, એમકોમ ફાઈનલની પરીક્ષાનો ૬ ડિસેમ્બરથી પ્રારંભ થશે.એસવાયબીકોમની પરીક્ષા ૧૩ ડિસેમ્બરથી લેવાશે.
ફેકલ્ટીના સૂત્રોનું કહેવું છે કે, કોરોનાના કારણે કોમર્સ ફેકલ્ટીમાં એફવાયના શિક્ષણની પાટા પરથી ઉતરી ગયેલી ગાડી આખરે ટ્રેક પર ચઢી રહી છે.ચાર વર્ષ પછી એવું બનશે કે એફવાયના વિદ્યાર્થીઓ ડિસેમ્બરમાં એન્ડ સેમેસ્ટર પરીક્ષા આપશે અને જાન્યુઆરીમાં તેમનું બીજા સેમેસ્ટરનંટ શિક્ષણ કાર્ય શરુ થશે.
સાથે સાથે ટીવાયના અને એમકોમ ફાઈનલના બીજા સેમેસ્ટરનું શિક્ષણ પણ ૧૬ ડિસેમ્બરથી શરુ કરવાનો પ્રસ્તાવ મૂકાયો છે.આમ વર્ષો પછી ડિસેમ્બરમાં આ બંને વર્ષના વિદ્યાર્થીઓ બીજા સેમેસ્ટરનો અભ્યાસ શરુ કરશે.
સૂત્રોનું કહેવું છે કે, પરીક્ષાની તારીખો યુનિવર્સિટીને મોકલવામાં આવશે અને અંતિમ મંજૂરી બાદ સત્તાવાર રીતે આ તારીખો જાહેર કરવામાં આવશે.