અરુણાચલ પ્રદેશને લઈ એકવાર ફરી પાડોશી દેશ ચીને ચંચુપાત કર્યો છે. ભારતના પર્વતારોહીઓ દ્વારા અરુણાચલ પ્રદેશના એક પર્વતનું નામ છઠ્ઠા દલાઈ લામાના નામ પર રાખતા ચીનને હવે મરચાં લાગ્યાં છે. ચીને ભારતના આ નિર્ણય અંગે નારાજગી દર્શાવી છે. ચીને વિરોધ કરતા એકવાર ફરી પોતાનો ક્ષેત્ર હોવાનો દાવો કર્યો છે.
ભારતે ચીનના દાવાને ફગાવ્યો
ભારતે અરુણાચલ પ્રદેશ પર ચીનના દાવાને ફગાવી દીધા છે અને કહ્યું છે કે અરુણાચલ ભારતનું અભિન્ન અંગ છે. આ કોઈના ગેરકાયદે દાવાથી બદલાવાનું નથી.
ચીન અરુણાચલ પ્રદેશ પર દાવો કરતું રહ્યું છે
ઉલ્લેખનીય છે કે, અરુણાચલ પ્રદેશને લઈને ભારત અને ચીન વચ્ચેની તંગદિલીનો ઈતિહાસ જૂનો છે. ચીન ભારતના આ વિસ્તાર પર દાવો કરે છે જ્યારે ભારત તેને પોતાનો મહત્વપૂર્ણ ભાગ માને છે. ચીન અરુણાચલ પ્રદેશ વિશે દરરોજ નિવેદનો આપે છે. અરુણાચલના ઘણા ભાગોના નામ બદલીને તે આ વિસ્તારમાં પોતાનો દાવો મજબૂત કરવાની હિંમત પણ કરે છે.
ચીન અરુણાચલના રહેવાસીઓને વીઝા આપતું નથી
ચીન અરુણાચલના લોકોને ભારતના નાગરિક નથી માનતું. તેમનું કહેવું છે કે અરુણાચલ ચીનનો ભાગ છે, તેથી ત્યાંના લોકોને ચીન આવવા માટે વીઝાની જરૂર નથી. નિષ્ણાતો માને છે કે ચીન સ્ટેપલ વિઝા આપે છે કારણ કે તે માત્ર કાગળનો દસ્તાવેજ છે. જો તે વિઝા આપે છે તો તેનો અર્થ એ થશે કે તેણે અરુણાચલ પર ભારતના દાવાને સ્વીકારી લીધો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત પર ચીને વિરોધ દર્શાવ્યો હતો
મળતી માહિતી અનુસાર, માર્ચ-2024માં પીએમ નરેન્દ્ર મોદીએ અરુણાચલ પ્રદેશની મુલાકાત લીધી હતી. તેઓની મુલાકાત બાદ પાડોશી દેશ ચીને નારાજ થઈને આકરી પ્રતિક્રિયા આપી હતી. જોકે, બાદમાં ભારત સરકારે ચીનની ટિપ્પણીને ફગાવી દીધી હતી. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે, ‘અમે પીએમ મોદીની અરુણાચલ પ્રદેશની મુલાકાતને લઈને ચીની પક્ષ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને નકારી કાઢીએ છીએ.
ભારતીય નેતાઓ સમયાંતરે અરુણાચલ પ્રદેશની મુલાકાત લે છે અને અન્ય રાજ્યોની મુલાકાત લેતા પીએમ મોદીએ તેમની મુલાકાત દરમિયાન અનેક વિકાસ પ્રોજેક્ટ્સ સાથે સેલા ટનલનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.