પાડોશી દેશ એવા ચીનમાં એક શાળામાં ચપ્પુ લઈને ઘુસેલા શખ્સે અંધાધૂંધ હુમલા શરુ કર્યા હતા. જેમાં આઠ લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે અન્ય 17 લોકો ઘાયલ થયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ અને અન્ય ટીમ આવી જતા આરોપીની શાળામાંથી અટકાયત કરી લેવામાં આવી હતી. આરોપી સકંજામાં આવી જતા ગુનો સ્વીકારી લીધો હતો. આ અગાઉ તાજેતરમાં એક શખ્સે પોતાની કારથી સેંકડો લોકોને કચડી નાખ્યા હતા. આ ઘટનામાં 35 લોકોનાં મોત થયા હતા. જ્યારે 43 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તપાસ બાદ જાણવા મળ્યું કે, આ હુમલાનો આરોપી માનસિક અસ્થિર હતો.
શાળામાં છુરાબાજી
ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર મામલો પૂર્વ ચીનના જિયાંગસુ પ્રાંતનો હોવાનું જાણવા મળી રહ્યું છે. અહીં શનિવારે, એક પાગલ એક કોમર્શિયલ શાળામાં ઘુસી ગયો અને આડેધડ છરીઓ મારવા લાગ્યો. છરાબાજીની આ ઘટનામાં આઠ લોકોનાં મોત થયા હતા, જ્યારે 17 લોકો ઘાયલ થયા હતા. હુમલો લગભગ 6.30 વાગ્યે યિક્સિંગ શહેરમાં વુક્સી વોકેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ આર્ટસ એન્ડ ટેક્નોલોજીમાં થયો હતો.
આરોપી ઝડપાયો
મળતી માહિતી અનુસાર, 21 વર્ષીય શંકાસ્પદ આરોપી જુને ઘટનાસ્થળેથી પકડવામાં આવ્યો હતો અને તેણે પોતાનો ગુનો સ્વીકારી લીધો છે. પોલીસે જણાવ્યું કે આરોપી એક પરીક્ષામાં નાપાસ થયો હતો અને તેના કારણે તેને ગ્રેજ્યુએશન સર્ટિફિકેટ મળ્યું ન હતું. વધુમાં તે ઈન્ટર્નશીપના પગારથી અસંતુષ્ટ હતો. આવી સ્થિતિમાં પોતાનો ગુસ્સો વ્યક્ત કરવા માટે તે સ્કૂલમાં ઘુસી ગયો અને માર મારવા લાગ્યો. બચાવ કામગીરી ચાલુ છે અને પોલીસ આ કેસની સઘન તપાસ કરી રહી છે.
કારની અડફેટે આવતા 35 લોકોનાં મોત થયા
અગાઉ, 12 નવેમ્બરે અન્ય એક ઘટનામાં, એક વ્યક્તિએ ઝુહાઈ શહેરના એક સ્પોર્ટ્સ સેન્ટરમાં તેની કાર વડે લોકોના ટોળાને કચડી નાખી હતી. આ ઘટનામાં 35 લોકોનાં મોત થયા હતા, જ્યારે 43 લોકો ઘાયલ થયા હતા. આ કેસમાં ફેન નામના વ્યક્તિની અટકાયત કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે તેણે આવું એટલા માટે કર્યું કારણ કે તે છૂટાછેડા પછી મિલકતના ભાગલાથી અસંતુષ્ટ હતો. આ ઘટના પર ચિંતા વ્યક્ત કરતા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ઈજાગ્રસ્તોની સારવાર માટે શક્ય તમામ પ્રયાસ કરવાનો આદેશ આપ્યો છે.