ભારતીય ગ્રાન્ડમાસ્ટર ડી ગુકેશે રવિવારે વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ચીનના ડિંગ લિરેન વિરુદ્ધના ડ્રોના સિલસિલાને સમાપ્ત કરી દીધો હતો અને 11મી ગેમમાં વિજય હાંસલ કરીને એક પોઇન્ટની લીડ મેળવી લીધી હતી. લિરેન વિરુદ્ધ ગુકેશનો આ બીજો વિજય હતો.
ક્લાસિકલ પ્રારુપમાં હવે ત્રણ રાઉન્ડની ગેમ બાકી રહી છે અને 18 વર્ષનો ભારતીય ખેલાડી હાલમાં 6-5ની લીડ ધરાવે છે. અત્રે ઉલ્લેખનિય છે કે ગુકેશ અને લિરેન વચ્ચે આ અગાઉ સતત સાત ગેમ ડ્રો રહી હતી. પરંતુ ભારતીય ગ્રાન્ડમાસ્ટરે લિરેનની ભુલનો ફાયદો ઉટાવ્યો હતો અને ચાઇનિઝ હરીફ પર દબાણ બનાવવામાં સફળતા હાંસલ કરી હતી. નોંધનીય છે કે બન્ને ખેલાડીઓ વચ્ચેની કુલ 11 ગેમ્સમાંથી આઠ બાજી ડ્રો રહી હતી.જ્યારે ગુકેસે બે ગેમ જીતી લીધી છે અને લિરેન અત્યાર સુધીમાં એક બાજી જીતવામાં સફળ રહ્યો છે. લિરેને શરૂઆતનો મુકાબલો જીતી લઇને લીડ મેળવી લીધી હતી પણ પછી ગુકેશે ત્રીજી ગેમ જીતી લીધી હતી. તે પછીની તમામ ગેમ ડ્રો રહી હતી.