પીએમ નરેન્દ્ર મોદીએ મંગળવારે ચંડીગઢમાં સરકારનાં ત્રણ નવા ક્રિમિનલ કાયદાનાં સફળ અમલનાં લોકાર્પણ પ્રસંગે નાગરિકોને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે દેશ જ્યારે વિકસિત ભારતનો સંકલ્પ લઈને આગળ વધી રહ્યો છે અને બંધારણને 75 વર્ષ થયા છે ત્યારે બંધારણની ભાવનાથી પ્રેરિત ભારતીય ન્યાય સંહિતાનાં પ્રભાવનો પ્રારંભ થયો છે તે મહત્વની વાત છે.
પહેલા ગુનેગારોનો નિર્દોષોને ડર રહેતો હતો અનેક મહત્વનાં કાયદા પર ચર્ચા થતી ન હતી. આજકાલ કલમ 370, ટ્રિપલ તલાક અને વકફ સુધારા બિલ પર ચર્ચા થઈ રહી છે. દેશનાં નાગરિકોએ જે આદર્શોની કલ્પના કરી હતી તેને પૂરા કરવાની દિશામાં સરકાર નક્કર પ્રયાસો કરી રહી છે. આપણે હંમેશા એવું સાંભળતા આવ્યા છીએ કે કાયદો સૌની નજરમાં સમાન છે પણ વ્યવહારમાં સત્ય કંઈક જુદું છે. છેલ્લા સાત દાયકામાં ન્યાયતંત્ર સામેનાં પડકારો પર મંથન કરીને ભારતીય ન્યાય સંહિતાની રચના કરાઈ છે. જેનો યશ સુપ્રીમ કોર્ટ, ન્યાયાધીશો અને દેશની તમામ હાઈકોર્ટને જાય છે.
અંગ્રેજોનાં જમાનાના કાયદા લોકોને શિક્ષા કરવા અને ગુલામ રાખવા માટેના હતા
મોદીએ કહ્યું કે અંગ્રેજોનાં જમાનાનાં કાયદા લોકોને શિક્ષા કરવા તેમજ ગુલામ રાખવા માટે અમલમાં મુકાયા હતા. તેમાં લોકોને યોગ્ય ન્યાય આપવાની વાત ન હતી. 1947માં અંગ્રેજો ગયા પણ તેમનાં જૂના કાયદા મુકતા ગયા હતા. 1860માં અંગ્રેજો ઈન્ડિયન પીનલ કૉડ લાવ્યા હતા. તે પછી CrPC અમલમાં આવ્યો હતો. જેનો હેતુ ભારતીયોને દંડ આપવાનો અને ગુલામ રાખવાનો હતો. આઝાદી પછી વર્ષો સુધી આપણા દેશમાં કાયદાઓ IPC અને CrPC વચ્ચે જ રમતા રહ્યા જેનો ઉપયોગ નાગરિકોને ગુલામ માનીને કરાતો હતો.