અરવલ્લીમાં બાયડના ધારાસભ્ય અને BZના સીઈઓની જુગલબંધી સામે આવી છે. BZ ગ્રૂપના CEO ભૂપેન્દ્રસિંહ ઝાલા અને ધવલસિંહ ઝાલાનો રૂપિયા ઉડાડતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. હાથમાં નોટોની થપ્પી સાથે કલાકાર પર રૂપિયાનો વરસાદ કર્યો હતો.
બાયડના ધારાસભ્યની BZ ગ્રૂપના CEO સાથેની જુગલબંધી
ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની સ્પષ્ટતા બાદ પણ મિત્રતાના જૂના વીડિયો વાયરલ થઈ રહ્યા છે. માલપુરનો આરોપી એજન્ટ મયુર દરજી પણ ધારાસભ્યની સાથે દેખાઈ રહ્યો છે. ડાયરાના કાર્યક્રમ વખતેના વીડિયો વાયરલ થયા.
ગુજરાતભરમાં અત્યારે માત્ર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાની ચર્ચાઓ થઈ રહી છે. મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. ભૂપેન્દ્રસિંહ ઝાલા પોતે ડાયરામાં લોકોના રુપિયા ઉડાવતો જોવા મળી રહ્યો છે. નોંધનીય છે કે, લોકોના રૂપિયાને ભૂપેન્દ્ર ઝાલાએ બેફામ ઉડાવ્યા હતા. તેની છેતરપિંડીની યોજનામાં લોકોને પ્રભાવિત કરવા માટે ડાયરામાં બેફામ રૂપિયા ઉડાવતો હતો.
રૂપિયાના બંડલ ડાયરામાં ઉડાવ્યા
6000 કરોડનો કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા અને ધારાસભ્ય ધવલસિંહ ઝાલા રૂપિયાના બંડલ લઈ રાજભા ગઢવીના ડાયરામાં રૂપિયા ઉડાવતા નજરે પડ્યા છે. હાલમાં ભૂપેન્દ્રસિંહ ઝાલા વિદેશ ભાગી ગયો હોવાનું અનુમાન છે. જેની ધરપકડ કરવા માટે પોલીસ પણ કામે લાગી ગઈ છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાને ઝડપી પાડવા માટે અત્યારે પોલીસે ચાર ટીમ બનાવી છે.
BZ ગ્રૂપનાં CA ની પણ પૂછપરછ કરવામાં આવશેઃ CID
રાજ્યમાં લોકોને વધુ વ્યાજની લાલચ આપીને રોકાણ કરાવી 6 હજાર કરોડ રૂપિયાનું મસમોટું કૌભાંડ આચરનાર BZ ગ્રૂપ કેસ મામલે CID ક્રાઇમે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. CID ક્રાઇમે જણાવ્યું હતું કે, BZ ગ્રૂપનાં બેંક ખાતાઓની તપાસ ચાલી રહી છે. સાથે જ BZ ગ્રૂપનાં CA ની પણ પૂછપરછ કરવામાં આવશે. CID ક્રાઇમે જણાવ્યું કે, માત્ર બે એકાઉન્ટમાં જ રૂપિયા 175 કરોડની રકમ હોવાનું માલૂમ પડ્યું છે. આથી, કૌભાંડનો આંકડો રૂપિયા 6 હજાર કરોડથી પણ વધુ હોવાની સંભાવના છે.