23.7 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, ડિસેમ્બર 27, 2024
23.7 C
Surat
શુક્રવાર, ડિસેમ્બર 27, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeબિઝનેસBusiness: સાઉદી અરેબિયા સાથે ભાગીદારીમાં ગુજરાત અને આંધ્રપ્રદેશમાં બે રિફાઇનરી સ્થપાશે

Business: સાઉદી અરેબિયા સાથે ભાગીદારીમાં ગુજરાત અને આંધ્રપ્રદેશમાં બે રિફાઇનરી સ્થપાશે


કેન્દ્ર સરકારે સાઉદી અરેબિયાના સત્તાવાળાઓ સાથે પ્રતિ વર્ષ 10થી 15 મિલિયન ટનની ક્ષમતા ધરાવતી પેટ્રોકેમિકલ્સ ફેસેલિટી સહિતની એક રિફાઇનરી ગુજરાતમાં અને એક રિફાઇનરી આંધ્રપ્રદેશમાં એમ કુલ બે રિફાઇનરી સ્થાપવા માટે વાટાઘાટો હાથ ધરી હોવાના અહેવાલ છે, જેને પગલે અગાઉ મહારાષ્ટ્રના રત્નાગિરીમાં એક રિફાઇનરી સ્થાપવાનો પ્રસ્તાવ હતો તેનો છેદ ઉડી ગયો હોય એમ લાગે છે.

ગુજરાતમાં રિફાઇનરી સ્થાપના માટે સાઉદી અરેબિયાની કંપની આરમ્કો સાથે ભાગીદારી કરવાની જવાબદારી ઓએનજીસી લેશે જ્યારે આંધ્રપ્રદેશની રિફાઇનરી માટે આવી જવાબદારી બીપીસીએલને સોંપવામાં આવી છે. આ રિફાઇનરી સ્થાપવામાં આવે તો તેના કારણે સાઉદી અરેબિયાને તેના દ્વારા ઉત્પાદિત ક્રુડ ઓઇલ ભારતમાં વેચવાની તક પ્રાપ્ત થશે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં જે ક્રુડ ઓઇલની આયાત થાય છે તેમાં સાઉદી અરેબિયાનો હિસ્સો નોંધપાત્ર પ્રમાણમાં ઘટી ગયો હોવાથી સાઉદી અરેબિયા ભારતમાં આ પ્રકારે બે રિફાઇનરીઓ સ્થાપવા ઉત્સુક છે.

હાલમાં બન્ને દેશો વચ્ચે આ બે રિફાઇનરી સ્થાપવા માટેની વાટાઘાટો અંતિમ તબક્કામાં છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી આગામી મહિનામાં સાઉદી અરેબિયાની મુલાકાતે જવાના છે તે પહેલાં સમગ્ર આયોજનને અંતિમ ઓપ આપી દેવામાં આવશે એમ સૂત્રો જણાવી રહ્યા છે. મોદી તેમની આ મુલાકાતમાં અગાઉ સાઉદી અરેબિયા દ્વારા ભારતમાં 100 અબજ ડોલરનું રોકાણ કરવાનું જે વચન આપવામાં આવ્યું હતું તેનું પાલન થાય તે સુનિશ્ચિત કરવાના છે. ભારત સરકારે સાઉદી અરેબિયાના આ રોકાણ માટે રેલ્વે, બંદરો અને વોટરવેઝ જેવા વિકલ્પો સુચવ્યા હતા, તેમ છતાં હજી સુધી આ રોકાણ અંગે કોઇ જાહેરત થઇ નથી.

અગાઉ મહારાષ્ટ્રના રત્નાગિરી ખાતે એક રિફાઇનરી સ્થાપવાનો પ્રસ્તાવ હતો, પરંતુ આ પ્રોજેક્ટ માટેના જમીન સંપાદનનો સ્થાનિક લોકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો હોવાથી આ પ્રોજેક્ટ પડતો મુકવામાં આવે એવી શક્યતા છે. આ 60 મિલિયન ટનની વાર્ષિક ક્ષમતા ધરાવતી આ સુચિત રિફાઇનરી સ્થાપવા માટે અગાઉ આઇઓસી, એચપીસીએલ અને બીપીસીએલએ સાઉદી અરેબિયાની આરમ્કો સાથે કરાર કર્યો હતો, પરંતુ હવે આટલી મોટી ક્ષમતાની રિફાયનરી સ્થાપવી એ ખૂબ જ અઘરું કાર્ય છે એવો મત નિષ્ણાતો ધરાવે છે, તેને કારણે પણ આ પ્રસ્તાવ પડતો મુકવામાં આવી રહ્યો છે એમ જાણકારો જણાવે છે.

ગુજરાત હાલમાં જામનગર ખાતે રિલાયન્સની એક અને નયારાની એક એમ કુલ બે અને વડોદરામાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની એક એમ કુલ ત્રણ રિફાઇનરી ધરાવે છે અને હવે આ રાજ્યને ચોથી રિફાઇનરી પણ મળે એવી શક્યતા છે. આંધ્રપ્રદેશની વાત કરીએ તો આ રાજ્યને જ્યારે બે રાજ્યોમાં વહેંચવામાં આવ્યું ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા આંધ્રપ્રદેશમાં એક રિફાઇનરી સ્થાપવામાં આવશે એવું વચન આપવામાં આવ્યું હતું. હવે આંધ્રપ્રદેશમાં એનડીએના ઘટક એવા ચંદ્રાબાબુ નાયડુની સરકારી છે ત્યારે તેઓ આ વચન પુરુ કરવામાં આવે એવો આગ્રહ કરી રહ્યા છે. આથી એક રિફાઇનરી આ રાજ્યમાં સ્થાપવાનો પ્રસ્તાવ છે.

સૂત્રોએ જણાવ્યા અનુસાર બે સુચિત રિફાઇનરીની ક્ષમતા અને સુવિધા કેવી હશે તેની વિગતો હજી સુધી નક્કી કરવામાં આવી નથી કારણ કે આ વિગતો તૈયાર કરતાં ઘણો સમય લાગે છે. ઉલ્લેખનીય છે કે સાઉદી અરેબિયા તેના દ્વારા કરવામાં આવતા રોકાણ માટે વિશેષ સવલતો આપવામાં આવે તેની માટે અગાઉની ટ્રિટીમાં સુધારા કરી નવી ખાસ ટ્રિટી કરવાની માંગ કરી રહ્યું છે, પરંતુ કેન્દ્રિય નાણાં મંત્રાલય દ્વારા આવી ખાસ ટ્રિટીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

નવા સમીકરણો

મહારાષ્ટ્રના રત્નાગિરીમાં જમીન સંપાદનનો સ્થાનિક લોકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો હોવાથી આ પ્રસ્તાવ પડતો મુકાય એવી શક્યતા છે. ગુજરાતમાં હાલ ત્રણ રિફાઇનરી કાર્યરત છે અને હવે તેને ચોથી રિફાઇનરી મળે એવી શક્યતા છે. આંધ્રપ્રદેશને બે રાજ્યોમાં વહેંચવામાં આવ્યું ત્યારે તેને રિફાઇનરી સ્થાપવાનું વચન અપાયું હતું અને હવે ચંદ્રાબાબુ નાયડુ આ વચનનું પાલન થાય એવો આગ્રહ રાખે છે



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય