અદાણી જૂથ પર યુએસમાં જે આરોપ ઘડવામાં આવ્યા છે તેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે અદાણી જૂથ દ્રારા એક બ્રાઇબરી સ્કીમ એટલે કે લાંચ આપવાની યોજના બનાવવામાં આવી હતી. આ યોજના પાછળનો હેતુ ભારતીય અધિકારીઓને લાંચ આપીને સોલાર એનર્જીના કોન્ટ્રાક્ટ મેળવવાનો હતો.
આ લાંચ કથિતપણે જેના દ્રારા આપવામાં આવી છે તે અદાણી ગ્રીન એનર્જી અદાણી જૂથની એક અગ્રણી કંપની છે અને આ કંપનીએ 2020ના વર્ષમાં નોંધપાત્ર પ્રમાણમાં સોલાર એનર્જી સપ્લાય કરવાના વિવિધ કોન્ટ્રાક્ટ મેળવ્યા હતા. યુએસના પ્રોસિક્યુટર્સના દાવા પ્રમાણે અદાણી જૂથે તેના સોલાર પ્રોજેક્ટ માટે અમેરિકાના રોકાણકારો પાસેથી નાણાં એકત્ર કર્યા હતા અને આ નાણાં ઉઘરાવતી વખતે ભારતમાં લાંચ આપીને સોલાર એનર્જીના કોન્ટ્રાક્ટ મેળવવામાં આવનાર છે એ વિગત રોકાણકારથી છુપાવવામાં આવી હતી. આ જ દાવા પ્રમાણે બ્રાઇબરિ સ્કીમનું મૂળ ડિસેમ્બર, 2019થી જુલાઇ, 2020ના સમયગાળા દરમિયાન નંખાયું હતું. આ જ સમયગાળામાં અદાણી ગ્રીન એનર્જી અને ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ એક અન્ય કંપનીએ ભારતમાં સોલાર એનર્જીને પ્રમોટ કરતી સરકારી માલિકીની કંપની સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પાસેથી સોલાર એનર્જીના મોટા કોન્ટ્રાક્ટ મેળવ્યા હતા.
ન્યૂયોર્ક ટાઇમ્સમાં આવેલા અહેવાલ મુજબ એ સમયે અદાણી ગ્રીન એનર્જીએ એ સમયે એવો દાવો કર્યો હતો કે તેને જે સોલાર એનર્જી સપ્લાય કરવાનો કોન્ટ્રાક્ટ મળ્યો છે તે આ પ્રકારનો વિશ્વનો સૌથી મોટો કોન્ટ્રાક્ટ છે. આ કોન્ટ્રાક્ટ હેઠળ 20 વર્ષના સમયગાલામાં કુલ 6 અબજ ડોલરનું રોકાણ કરવામાં આવનાર હતું અને આરોપનામાંમાં કરવામાં આવેલા દાવા મુજબ આ પ્રોજેક્ટથી ટેક્સ ચુકવ્યા પછી 2 અબજ ડોલરનો નફો થશે એવો દાવો અદાણી ગ્રીન એનર્જી દ્રારા કરવામાં આવ્યો હતો. ન્યુયોર્ક ટાઇમ્સના અહેવાલમાં જણાવાયા મુજબ રોકાણકારો પણ આ પ્રોજેક્ટમાંથી ઉત્પન્ન થનારી વીજળી ભારતના રાજ્યોને મોંઘી પડશે અને સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ભારતના રાજ્યોને આ વીજળી વેચવા માટે સંઘર્ષ કરી રહ્યું છે એ વાતથી અજાણ હતા. આથી અદાણી જૂથે સરકારી અધિકારીઓને લાંચ આપીને વિવિધ રાજ્યોને આ વીજળી ખરીદવા માટે તૈયાર કર્યા હતા એવો આરોપ લગાવવામાં આવ્યો છે. જુન, 2020માં અદાણી ગ્રીન એનર્જીએ જાહેરાત કરી હતી કે તેણે ઉત્પાદન સાથે સાંકળતો હોય એવો આ પ્રકારનો સૌપ્રથમ કહી શકાય એવો સોલાર એનર્જી સપ્લાયનો કોન્ટ્રાક્ટ સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પાસેથી મેળવ્યો છે. આ કોન્ટ્રાક્ટ હેઠળ કંપનીએ 8 ગીગાવોટનો સોલાર પ્રોજેક્ટ સ્થાપવાની અને 2 ગીગાવોટની ક્ષમતા ધરાવતો વધારાનો સોલાર સેલ અને મોડયુલનું ઉત્પાદન એકમ સ્થાપવાની પણ જાહેરાત કરી હતી. આ કોન્ટ્રાક્ટ હેઠળ કંપની કુલ રૂ. 45,000 કરોડ એટલે કે 6 અબજ ડોલરનું રોકાણ કરવાની હતી. આ પ્રોજેક્ટ 4 લાખ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકોનું સર્જન કરશે અને 900 મિલિયન ટન કાર્બન ડાયોક્સાઇજનું ઉત્સર્જન અટકાવશે એવો દાવો પણ કંપનીએ કર્યો હતો.
અદાણી જૂથની 10 કંપનીઓમાં મ્યુચ્યુઅલ ફંડોનું રૂ. 43,455 કરોડનું રોકાણ
ભારતના મ્યુચ્યુઅલ ફંડો જુલાઇ, 2024ના અંતે અદાણી જૂથની 10 લિસ્ટેડ કંપનીઓમાં કુલ રૂ. 41,814 કરોડનું મૂલ્ય ધરાવતા શેરની માલિકી ધરાવતા હતા, જે ઓક્ટોબરના અંતે વધીને રૂ. 43,455 કરોડ થયું હતું. આજે અદાણી જૂથના શેરોમાં જે કડાકો બોલાયો છે તેના કારણે આ મૂલ્યમાં કેટલો ઘટાડો થયો છે તેની વિગતો 22 નવેમ્બરે જ ઉપલબ્ધ બનશે. ગત મહિને મ્યુચ્યુઅલ ફંડ્સ (એમએફ) દ્વારા અદાણી એન્ટરપ્રાઈઝિસના 46 લાખ સ્ટોક્સ ખરીદવામાં આવ્યા હતા. ઓક્ટોબરમાં મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા પોતાના પોર્ટફોલિયોમાં આ કંપનીના લાખો શેરો ઉમેરવામાં આવ્યા હતા. સપ્ટેમ્બરમાં મ્યુચ્યુઅલ ફંડ્સ પાસે અદાણી એન્ટરપ્રાઈઝિસના 2.50 કરોડ શેર હતા. જે ઓક્ટોબરમાં કરાયેલા રોકાણ સાથે સ્ટોક્સની સંખ્યા વધીને 2.96 કરોડ થઈ ગઈ છે.
USના આરોપો બાદ અદાણી જૂથે 600 મિલિયન ડોલરનો બોન્ડ ઇશ્યૂ રદ કર્યો
ભારતના અગ્રણી ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર અમેરિકામાં લાંચ આપવાના આરોપ બાદ અદાણી ગ્રુપના એકમોએ 600 મિલિયન ડોલરના બોન્ડ રદ્દ કર્યા છે. અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિશ એન્ડ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન તરફથી જારી કરવામાં આવેલી અખબારી યાદી પ્રકાશમાં આવી તેના કલાકો પહેલાં જ અદાણી જૂથે સંબંધિત બોન્ડ ઓફરિંગની કિંમત નક્કી કરી હતી પણ આરોપો બાદ ગ્રુપે રોકાણકારોને માહિતી આપી હતી કે, આ બોન્ડ રદ્દ કરવામાં આવશે.
કેન્યાના પ્રેસિડેન્ટે અદાણી જૂથ સાથેના સોદા રદ કર્યા
આજે અમેરિકામાં અદાણી જૂથ સામે આરોપો ઘડવામાં આવ્યા તેને પગલે કેન્યાના પ્રેસિડેન્ટ વિલિયમ રુટોએ દેશના મુખ્ય એરપોર્ટના વિસ્તરણના અને 700 મિલિયન ડોલરના પાવર ટ્રાન્સમિશન લાઇન નાંખવાના અદાણી જૂથ સાથેના સોદાને રદ કરવાનો ઓર્ડર આપ્યો હતો.
અદાણી ઘટનાક્રમને પગલે વેદાંતાએ બોન્ડ સેલ અટકાવ્યું
ભારતીય અબજોપતિ અનિલ અગ્રવાલ દ્વારા નિયંત્રિત વેદાંતા રિસોર્સિસ લિમિટેડ દ્વારા ડોલર બોન્ડ વેચાણ માટે સમયનું પુનઃમૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. કેમ કે, અદાણી જૂથના સંસ્થાપક પર અમેરિકામાં લાંચ આપવાનો અને છેતરપિંડી કરવાનો આરોપ લાગ્યા બાદ માર્કેટમાં ઉથલપાથલ સર્જાઈ હતી. માઈનિંગ કંપની વેદાંતાએ સંભવિત બોન્ડની ઓફર અંગે ચર્ચા કરવા ફિક્સ્ડ ઈન્કમ રોકાણકારોને બોલાવ્યા હતા પરંતુ હવે કંપનીએ આગામી સપ્તાહની શરૂઆતમાં સોદા કરવાનું વિચાર્યું છે.
હિંડનબર્ગના હુમલા પછી અદાણી જૂથમાં મોટી રોકાણ કરનારી જીક્યૂજી પાર્ટનર્સના શેરમાં 25 ટકાનો કડાકો
નવેમ્બર, 2023માં હિંન્ડનબર્ગનો રિપોર્ટ જાહેર થયો અને અદાણી જૂથના શેરોમાં કડાકો બોલી ગયો તે પછી યુએસ સ્થિત ઇન્વેસ્ટમેન્ટ ફર્મ જીક્યુજી પાર્ટનર્સે આ જૂથમાં મોટું રોકાણ કરી તેને ઉગારવામાં મોટી ભૂમિકા ભજવી હતી. જોકે આજે અમેરિકામાં અદાણી જૂથ પર લાંચ અને છેતરપિંડીના આરોપ લાગ્યા તે પછી આ કંપનીને પણ ભોગવવાનો વારો આવ્યો હતો અને ઓસ્ટ્રેલિયામાં લિસ્ટેડ તેના શેરમાં 25 ટકાનો કડાકો બોલ્યો હતો. આ કંપનીએ અદાણી ગ્રુપની કંપનીઓ અદાણી પોર્ટ્સ, અદાણી ગ્રીન એનર્જી અને અદાણી એન્ટરપ્રાઇસિસ સહિતની કંપનીઓમાં માર્ચ, 2023માં રૂ. 15,546 કરોડના રોકાણ સાથે અદાણી જૂથમાં રોકાણની શરૂઆત કરી હતી અને હાલમાં આ રોકાણ વધીને રૂ. 80,000 કરોડના સ્તરે પહોંચ્યું છે. આ ઇન્વેસ્ટમેન્ટ ફર્મની આગેવાની મૂળ ભારતીય એવા રાજીવ જૈન સંભાળે છે. જોકે આ ઘટનાક્રમના પગલે હવે જીક્યુજી પાર્ટનર્સે તે અદાણી જૂથમાં પોતાના રોકાણની સમીક્ષા કરશે એમ જણાવ્યું છે.