વૈશ્વિક બજારોમાં ઘટાડાને પગલે આજે ભારતીય શેરબજારમાં મંદી સાથે ખુલ્યા હતા અને લગભગ અગિયાર વાગ્ય સુધીમાં મંદીનો આ માહોલ એટલો તીવ્ર બન્યો હતો કે સેન્સેક્સ પાછલા બંધથી 1,207 પોઇન્ટ અને નિફ્ટી 368 પોઇન્ટ તૂટયો હતો.
જોકે તે પછી અચાનક જ વેલ્યુ બાયિંગ આવતા બન્ને સુચકાંકોએ અત્યંત પ્રભાવશાળી કહી શકાય એવી રિકવરી કરી હતી અને દિવસને અંતે નોંધપાત્ર પ્રમાણમાં વધીને બંધ રહ્યા હતા. આ રિકવરી દરમિયાન એફએમસીજી અને કન્ઝયુમર ક્ષેત્રના શેરમાં સૌથી વધારે ઉછાળો જોવા મળ્યો હતો. પ્રારંભના બે કલાકમાં આ શેરો 1 ટકા સુધી તૂટયા હતા, પરંતુ ખાદ્ય પદાર્થોનો ફુગાવાનો દર નોંધપાત્ર પ્રમાણમાં ઘટયો હોવાથી આ શેરોને ફાયદો થશે એવી આશાએ આ શેરોમાં લેવાલી નીકળતા સેશનના અંતે એફએમસીજી ઇન્ડેક્સ 1.29 ટકા વધીને બંધ રહ્યો હતો. બીજી તરફ યુએસમાં વ્યાજદર ઘટવાની આશાએ આજે પણ આઇટી ઇન્ડેક્સ 0.64 ટકા વધ્યો હતો. લાર્જ કેપની તુલનાએ મિડ કેપ અને સ્મોલ કેપ શેરોએ અન્ડરપર્ફોમ કર્યું હતું અને બન્ને ઇન્ડેક્સ ઘટીને બંધ રહ્યા હતા. પીએસયુ બેંકોને બાદ કરતાં અન્ય બેકિંગ શેરોમાં પણ તેજી જોવા મળી હતી.
પ્રારંભે 77 પોઇન્ટ નીચામાં ખુલ્યા પછી સેન્સેક્સે ઇન્ટ્રા ડેમાં 80,082ની લો અને 82,213ની હાઇ સપાટી બનાવી હતી. આમ લગભગ 11 વાગ્યા સુધીમાં સેન્સેક્સ પાછલા બંધથી 1,207 પોઇન્ટ તૂટયો હતો અને 80,000ના સ્તરથી માત્ર 82 પોઇન્ટ છેટે જ રહ્યો હતો. એ સમયની સ્થિતિ જોતાં શુક્રવારે મંદીનો માતમ છવાશે એવી પ્રતિતી થતી હતી. જોકે તે પછી એકદમ જ પાસુ પલટાયું હતું અને સેન્સેક્સ રિકવર થઇને ઘટેલા મથાળેથી ઇન્ટ્રા ડેમાં 2,131 પોઇન્ટ વધ્યો હતો અને સેશનના અંતે ઘટેલા મથાળેથી 2,015 પોઇન્ટ વધીને બંધ રહ્યો હતો. આમ કુલ 2,131 પોઇન્ટની વોલેટાલિટી પછી દિવસને અંતે સેન્સેક્સ 843 પોઇન્ટ એટલે કે 1.04 ટકા વધીને 82,133ની સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટી પણ પ્રારંભે 50 પોઇન્ટ નીચામાં ખુલ્યો હતો અને 11 વાગ્યા સુધીમાં પાછલા બંધથી 368 પોઇન્ટ તૂટીને 24,180ની ઇન્ટ્રા ડે લો સપાટીએ પહોંચ્યો હતો. તે પછી સેન્સેક્સની જેમ આ સુચકાંકમાં પણ અચાનક તેજીતરફી પવન ફુંકાતા નિફ્ટીએ પણ ઘટયા મથાળેથી 612 પોઇન્ટ વધીને 24,792 પોઇન્ટની ઇન્ટ્રા ડે હાઇ સપાટી બનાવી હતી અને સેશનના અંતે ઘટયા મથાળેથી 588 પોઇન્ટ વધીને બંધ રહ્યો હતો. આમ નિફ્ટી પાછલા બંધથી 219 પોઇન્ટ એટલે કે 0.89 ટકા વધીને 24,768ની સપાટીએ બંધ રહ્યો હતો.
જોકે લાર્જ કેપ શેરોમાં 11 વાગ્યા પછી ફુંકાયેલા તેજીના પવનનો લાભ મિડ કેપ અને સ્મોલ કેપ શેરોને મળ્યો ન હતો, પરંતુ ઇન્ટ્રા ડે લોથી આ બન્ને શેરો નોંધપાત્ર પ્રમાણમાં રિકવર થયા હતા. બીએસઇ મિડ કેપ ઇન્ડેક્સે એક સમયે પાછલા બંધથી 779 પોઇન્ટ ઘટી 47,036ની ઇન્ટ્રા ડે લો બનાવી હતી. જોકે તે પછી આ ઇન્ડેક્સ ઘટયા મથાળેથી 740 પોઇન્ટ વધીને બંધ રહ્યો હતો. પાછલા બંધની તુલનાએ આ ઇન્ડેક્સ 39 પોઇન્ટ એટલે કે 0.08 ટકા ઘટીને 47,776ની સપાટીએ બંધ રહ્યો હતો. બીજી તરફ બીએસઇ સ્મોલ કેપ ઇન્ડેક્સે પાછલા બંધથી 1,056 પોઇન્ટ ઘટીને 56,066ની ઇન્ટ્રા ડે લો સપાટી બનાવી હતી. જોકે તે પછી ઘટયા મથાળેથી 891 પોઇન્ટ વધીને આ ઇન્ડેક્સ બંધ રહ્યો હતો. પાછલા બંધની તુલનાએ આ ઇન્ડેક્સ 167 પોઇન્ટ એટલે કે 0.29 ટકા ઘટીને 56,957ની સપાટીએ બંધ રહ્યો હતો. આમ આ ઇન્ડેક્સે 57,000નું સ્તર ગુમાવ્યું હતું. મિડ કેપ ઇન્ડેક્સમાં કુલ 762 પોઇન્ટની અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં કુલ 981 પોઇન્ટની અફરાતફરી જોવા મળી હતી.
એસએમઇ આઇપીઓ શેરોમાં આજે 11 વાગ્યા સુધી ઘટાડાતરફી ચાલ જોવા મળી હતી. આ કડાકામાં બીએસઇ એસએમઇ આઇપીઓ ઇન્ડેક્સ પાછલા બંધથી 1,262 પોઇન્ટ તૂટયો હતો. જોકે દિવસને અંતે મુખ્ય સુચકાંકોની જેમ જ આ ઇન્ડેક્સ 890 પોઇન્ટ એટલે કે 0.79 ટકા વધીને 1,13,787ની સપાટીએ બંધ રહ્યો હતો. આ હવે આ ઇન્ડેક્સ 14,991ની તેની સર્વોચ્ચ સપાટીથી માત્ર 1,204 પોઇન્ટ જ દુર છે.
સેન્સેક્સના 30 પૈકી 26 અને નિફ્ટીના 50 પૈકી 41 શેર આજે વધીને બંધ રહ્યા હતા. ભારતી એરટેલ 4.39 ટકા, આઇટીસી 2.07 ટકા અને કોટક બેંક 2.06 ટકા વધીને બંધ રહ્યો હતો, જ્યારે શ્રીરામ ફાયનાન્સમાં 2.44 ટકાનો, ટાટા સ્ટીલમાં 1.26 ટકાનો અને ઇન્ડસઇન્ડ બેંકમાં 1.09 ટકાનો ઘટાડો નોંધાયો હતો. વોલેટાલિટી ઇન્ડેક્સ આજે 1.04 ટકા ઘટીને 13.05ના સ્તરે પહોંચ્યો હતો. નિફ્ટી પરના 14 સેકટોરલ ઇન્ડેક્સ પૈકી 6 ઘટીને જ્યારે 8 વધીને બંધ રહ્યા હતા. નિફ્ટી એફએમસીજી ઇન્ડેક્સ 1.29 ટકા અને કન્ઝયુમર ડયુરેબલ્સ ઇન્ડેક્સ 0.97 ટકા વધ્યો હતો. નિફ્ટી બેંકમાં 0.69 ટકાનો અને પ્રાઇવેટ બેંકમાં 0.80 ટકાનો વધારો જોવા મળ્યો હતો, પરંતુ નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સ 0.18 ટકા ઘટયો હતો. નિફ્ટી આઇટી ઇન્ડેક્સ પણ આજે 0.64 ટકા વધ્યો હતો.
સેન્સેક્સમાં 843 પોઇન્ટની તેજી બ્રેથ નેગેટિવ રહેતા એમ કેપ રૂ. 1.27 લાખ કરોડ જ વધ્યું
બીએસઇ પર આજે ટ્રેડ થયેલા કુલ 4,105 શેર પૈકી 1,818 વધીને, 2,173 ઘટીને અને 114 ફ્લેટ મથાળે બંધ રહ્યા હતા. આમ લાર્જ કેપ શેરોમાં તેજી હતી પરંતુ મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં મંદીને કારણે માર્કેટની બ્રેથ નેગેટિવ રહી હતી. પરિણામે બીએસઇનું એમ કેપ વધીને રૂ. 459.42 લાખ કરોડ એટલે કે 5.42 ટ્રિલિયન ડોલર તો નોંધાયું હતું, પણ આ આંક ગઇ કાલના રૂ. 458.15 લાખ કરોડના આંકથી માત્ર રૂ. 1.27 લાખ કરોડનો જ વધારો દર્શાવે છે.
રૂપિયામાં 10 પૈસાની રિકવરી, 84.78ના સ્તરે બંધ
યુએસ ડોલર સામે ભારતીય રૂપિયો આજે મજબૂત બન્યો હતો. ગુરુવારની 84.88ની તેની ઓલટાઇમ લો સપાટીથી 10 પૈસા જેટલો વધીને રૂપિયો આજે 84.78ની સપાટીએ બંધ રહ્યો હતો. આજે થોડી રિકવરી સાથે રૂપિયો 84.81ના સ્તરે ખુલ્યો હતો અને ઇન્ટ્રા ડેમાં 84.77 સુધી રિકવર થયો હતો. ગુરુવારે રૂપિયામાં પાંચ પૈસાનો ઘટાડો નોંધાયો હતો. ભારતીય શેરબજારમાં નોંધપાત્ર તેજી જોવા મળતાં અને છેલ્લા કેટલાક દિવસોથી એફઆઇઆઇ દ્રારા ખરીદી કરવામાં આવી રહી હોવાથી આજે રૂપિયો સુધર્યો હતો. ફુગાવાનો દર ઘટયો એ બાબત પણ રૂપિયામાં રિકવરી માટે જવાબદાર હતી.
ફોરેક્સ રિઝર્વ 3.23 અબજ ડોલર ઘટીને 654.85 અબજ ડોલર । 6 ડિસેમ્બરના અંતે પૂરા થયેલા સપ્તાહના અંતે ભારતનું ફોરેક્સ રિઝર્વ 3.23 અબજ ડોલર ઘટીને 654.85 અબજ ડોલર થયું છે. અગાઉના સપ્તાહમાં આ રિઝર્વમાં 1.51 અબજ ડોલરનો વધારો નોંધાયો હતો. અગાઉ સપ્ટેમ્બરના અંતે ફોરેક્સ રિઝર્વ 704.88 અબજ ડોલરની ઓલટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યું હતું. જોકે તે પછી સતત આઠ સપ્તાહમાં ઘટાડો નોંધાતા આ રિઝર્વમાં આ આઠ સપ્તાહ દરમિયાન કુલ 48.3 અબજ ડોલરનો ઘટાડો નોંધાયો હતો. તે પછી એક સપ્તાહ વધ્યા બાદ ફરી આ રિઝર્વ ઘટયું છે. સમીક્ષા હેઠળના સપ્તાહમાં એફસીએમાં 3.22 અબજ ડોલરનો અને ગોલ્ડ રિઝર્વમાં 4.30 કરોડ ડોલરનો વધારો નોંધાયો છે.
FIIની રૂ. 2,335 કરોડની નેટ ખરીદી
આજે એફઆઇઆઇએ ભારતીય શેરબજારમાં રૂ. 2,335 કરોડની નેટ ખરીદી કરી હતી, જ્યારે ડીઆઇઆઇએ રૂ. 732 કરોડની નેટ વેચવાલી કરી હતી. આ સાથે ડિસેમ્બર મહિનામાં એફઆઇઆઇએ કરેલી નેટ ખરીદીનો આંકડો રૂ. 11,706 કરોડ થાય છે, જ્યારે ડીઆઇઆઇએ કરેલી નેટ ખરીદીનો આંકડો રૂ. 4,672 કરોડ થાય છે.