પુરવઠામાં સુધારો થતાં ટામેટાંના ભાવમાં હવે ઘટાડો જોવા મળી રહ્યો છે. જથ્થાની અછતને કારણે છેલ્લા ઘણાં દિવસોથી ટામેટાની કિંમતો ઘણી ઊંચી રહી હતી. જો કે રિટેલ ભાવો હવે નીચે આવતાં વપરાશકારોને રાહત થઈ છે.
14મી નવેમ્બરે સમગ્ર દેશમાં ટામેટાંના છૂટક ભાવમાં 22 ટકા જેટલો ઘટાડો થયો હતો. આ ઘટાડા સાથે કીલો દીઠ ભાવ રૂ.બાવનના સ્તરે પહોંચ્યા હતા. એક મહિના પહેલાં સુધી ટામેટાંના એક કિલો ગ્રામનો ભાવ રૂ.67 હતો, એમ ગ્રાહકો બાબતોના વિભાગે જણાવ્યું હતું. ઓક્ટોબરમાં ટામેટાંનો મોંઘવારી દર 161 ટકાના ઉચ્ચ સ્તરે પહોંચી ગયો હતો. ફળો અને શાકભાજીના દેશમાં સૌથી મોટા બજાર આઝાદપુર મોડલ મંડી ખાતે સમાન સમયગાળા દરમિયાન ક્વિન્ટલ દીઠ ભાવ રૂ.5,883 હતા, જે હવે 50 ટકા સુધી ઘટીને ક્વિટન્ટલ દીઠ રૂ.2,969 થઈ ગયા છે. પીંપલગાંવ મહારાષ્ટ્ર, મદનપલ્લે, કોલાર કર્ણાટક જેવા બેન્ચમાર્ક બજારોમાં ટામેટાંના મંડી ભાવમાં પણ સમાન ઘટાડો નોંધાયો છે. કમિશન એજન્ટ અને આઝાદપુર માર્કેટ ટામેટાં એસોસિએશનના સભ્યએ જણાવ્યું હતું કે, રવિવારે સરેરાશ જથ્થાબંધ ભાવ છેલ્લા એક મહિનામાં રૂ.60 પ્રતિ કિ.ગ્રા.થી ઘટીને રૂ.32 પ્રતિ કિ.ગ્રા. થઈ ગયા છે. આગામી સમયમાં ભાવ સ્થિર થવાની ધારણા છે, કેમ કે, સપ્યાલમાં સુધારો થશે. ઓક્ટોબરમાં છૂટક ટામેટાંના ભાવમાં ફુગાવો 161 ટકા વધ્યો હતો. જે પુરવઠામાં વિક્ષેપને કારણે 14 મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં અતિશય અને લાંબા સમય સુધી રહેલાં વરસાદને કારણે ઓક્ટોબર 2024માં ટામેટાંના ભાવમાં તીવ્ર વધારો થયેલો જોવા મળ્યો હતો.
જો કે એવું જણાવવામાં આવ્યું હતું કે, મદનપલ્લે અને કોલાર માર્કેટ ખાતે ટામેટાંની ઓછી આવક જોવા મળી છે. ભાવમાં જે ઘટાડો થયો છે તે એટલા માટે છે, કેમ કે, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાત ખાતેથી ટામેટાંના મોસમી આગમનમાં વધારો થયો છે. સમગ્ર દેશમાં હાલ સપ્લાયની અછત આ ક્ષેત્રોમાંથી પૂરી કરવામાં આવી રહી છે.