અમેરિકાના પ્રવાસે ગયેલા કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે એક-બે વાક્યમાં પાકિસ્તાન સાથે ભારતના વેપારને લઈ નિવેદન આપ્યું હતું. પાકિસ્તાને જ્યારે પણ ભારતને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે ત્યારે તેને યોગ્ય જવાબ પણ આપવામાં આવ્યો છે. બે દેશ વચ્ચે વેપારને લઈ કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, અમે પોતાની તરફથી પાકિસ્તાન સાથે વેપાર બંધ નથી કર્યો. પાકિસ્તાન જાતે જ વેપાર બંધ કરી દીધો છે.
ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય આર્થિક સંબંધોને પ્રોત્સાહન આપવાને હેતુથી વોશિંગ્ટન પહોંચેલા વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે પાકિસ્તાન મુદ્દે જણાવ્યું કે, વર્ષ-2014માં જ્યારે પીએમ મોદી વડાપ્રધાન બન્યા તો પાકિસ્તાનની સાથે દેશના સંબંધો સુધારવાને લઈ તમામ પગલાં ઉઠાવ્યા હતા. પીએમ મોદીએ વર્ષ-2014 અને વર્ષ-2016માં પાડોશી દેશની સાથે સંબંધો સારા કરવાની બને તેટલો પ્રયાસો કર્યો, પરંતુ જો પાકિસ્તાને પોતાને ત્યાં આતંકવાદી ગતિવિધિ બંધ નહોતી કરી. અમારા નાગરિકોને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરશે તો આ સ્વાભાવિક છે કે ભારત તેનો સામનો કરશે.
પાકિસ્તાન સાથેની અટારી બોર્ડર પર વેપારની શક્યતા અંગે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું, “જ્યાં સુધી બંને દેશો વચ્ચેના વેપારની વાત છે, ભારતે પાકિસ્તાન સાથે વેપાર બંધ કર્યો નથી. “પાકિસ્તાને પોતે જ ભારત સાથેનો વેપાર બંધ કરી દીધો છે.” તેમણે વધુમાં કહ્યું કે ભારતે ક્યારેય કોઈ દેશ સાથે પોતાના સંબંધો બગાડવાનું પગલું ભર્યું નથી.
વાતચીત દ્વારા મુદ્દાનો ઉકેલ: પીયૂષ ગોયલ
પાડોશી દેશ તરફથી ભારત વિરુદ્ધ આતંકવાદને પ્રોત્સાહન આપવા અંગે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું, “અમે કોઈ વિસ્તારવાદી દેશ નથી. અમે હંમેશા સંવાદ, મુત્સદ્દીગીરી અને વિશ્વની સમસ્યાઓનું સમાધાન શોધવામાં માનીએ છીએ. અમે વૈશ્વિક સ્તરે વિકાસના અમારા સાધનો તરીકે સંવાદ અને મુત્સદ્દીગીરી જાળવી રાખવા માટેના તમામ પ્રયાસો કરવાનું ચાલુ રાખીશું. પરંતુ જો કોઈ આતંકવાદને પ્રોત્સાહન આપશે તો ભારતના લોકો તેને કોઈકાળે સહન નહીં કરે.
તેમને વધુમાં જણાવ્યું કે, કેન્દ્રની મોદી સરકાર હેઠળ અમારે બરાક ઓબામા, ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઈડેન વહીવટી તંત્રની સાથે સારા સંબંધો રહ્યા છે. અમે આગળ પણ અમેરિકા સાથે પોતાના સંબંધો જાળવી રાખીશું. પીયૂષ ગોયલ અત્યારે અમેરિકાના પ્રવાસે છે. તેઓએ અમેરિકાના વાણિજ્ય મંત્રી જીના રાયમોંડોની સાથે વેપાર સાથે સંકળાયેલ મુદ્દા પર ચર્ચા કરી. ઉપરાંત રાયમોંડોની સાથે છઠ્ઠા ભારત-અમેરિકા સીઈઓ મંચની સહ-અધ્યક્ષતા પણ કરી હતી.