વધી રહેલા જીઓ-પોલિટિકલ ટેન્શન અને ફ્ેડરલ રિઝર્વ વ્યાજદરમાં હજુ પણ કાપ મૂકે તેવી સંભાવના વચ્ચે વૈશ્વિક બુલિયનમાં મજબૂતીનું વલણ જળવાઈ રહ્યું હતું. જેના પગલે સ્થાનિક બજારમાં સતત બીજા દિવસે સોનું તેની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું હતું. બીજી તરફ્ ચાંદીમાં બે તરફી વલણ વચ્ચે સામાન્ય ઘરાકી રહેતા ભાવમાં એકંદરે સ્થિરતા રહી હતી. ચાંદીના વાયદામાં શરૂમાં વેચવાલી રહ્યા બાદ દિવસ પૂરો થતાં સુધીમાં ભાવ સુધારીને બંધ થયા હતા. અમદાવાદ ખાતે 24 કેરેટ સોનું રૂ. 300 વધીને રૂ. 77,300 પ્રતિ 10 ગ્રામની નવી ઊંચાઈએ પહોંચ્યું હતું. તેવી જ રીતે 22 કેરેટ સોનું રૂ. 77,100 પ્રતિ 10 ગ્રામ થયું હતું. સ્થાનિક ચાંદી રૂ. 88,000 પ્રતિ કિલોના મથાળે ટકેલી હતી. વૈશ્વિક બજારો જોઈએ તો સોનું 2624 ડોલર સામે વધીને 2636 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. તેમજ ચાંદી 30.70 ડોલર હતું તે 30.98 ડોલર પ્રતિ ઔંસ થઈ હતી.
વાયદા બજારમાં MCX સોનાનો ઓકટોબર વાયદો રૂ. 211 વધીને રૂ. 74,295 પ્રતિ 10 ગ્રામ થયો હતો. તેમજ ડિસેમ્બર વાયદો રૂ. 165 વધીને રૂ. 74,946 પ્રતિ 10 ગ્રામ થયો હતો. MCX ચાંદીમાં ડિસેમ્બર વાયદો રૂ. 453 સુધારીને રૂ. 89,231 પ્રતિ કિલો ભાવ થયો હતો. મંગળવારે મોડી સાંજે કોમેક્સ સોનું 2652.30 ડોલર પ્રતિ ઔંસ પર ફ્લેટ ટ્રેડ થઈ રહ્યું હતું. કોમેક્સ ચાંદી 8.5 સેંટ વધીને 31.71 ડોલર પ્રતિ ઔંસ પર વેચાઈ રહી હતી. બુલિયન નિષ્ણાતોએ જણાવ્યું કે, એશિયામાં જીઓ-પોલિટિકલ ટેન્શન વધી રહ્યું છે. ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે સ્થિતિ દિવસે ને દિવસે બગડી રહી છે. બીજી તરફ્ તાજેતરમાં ફ્ેડરલ રિઝર્વે ગત સપ્તાહે વ્યાજદરમાં 0.50%નો મોટો ઘટાડો કર્યા બાદ આ વર્ષના અંત સુધીમાં બીજો મોટો વ્યાજદર કાપ આવી શકે છે તેવા સંકેતો આપતા બજારમાં તેજી તરફી માનસ જળવાઈ રહ્યું છે. જોકે, સોનું તેની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું છે તે જોતાં આગામી દિવસોમાં પ્રોફ્ટિ બૂકિંગની પણ સંભાવના છે.