પહેલી ડિસેમ્બરથી ભારતની સોલારના વિવિધ ઉપકરણો જેવા કે સોલાર પેનલ્સ, સેલ્સ અને સંબંધિત પાર્ટ્સનું ઉત્પાદન કરતી કંપનીઓને આવા ઉત્પાદન માટે વધુ ખર્ચ કરવો પડે એવી શક્યતા છે કારણ કે ચીનની સરકારે કેટલીક નિકાસ માટે જે રિબેટ આપવામાં આવે છે તેમાં ઘટાડો કર્યો છે.
જે પ્રોડક્ટની નિકાસ પરના રિબેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે તેમાં ફોટોવોલ્ટિક પ્રોડક્ટ્સ પણ સમાવિષ્ટ છે અને આ પ્રોડક્ટની નિકાસ પરનું રિબેટ 13 ટકાથી ઘટાડી 9 ટકા કરવામાં આવ્યું છે.
અત્યાર સુધી ભારતની સોલારના ઉપકરણોનું ઉત્પાદન કરતી કંપનીઓને ચીનમાંથી આયાત થતી સસ્તી ફોટોવોલ્ટિક પ્રોડક્ટ્સનો લાભ મળતો હતો. જોકે હવે ચીને નિકાસ પરના રિબેટમાં 4 ટકાનો ઘટાડો કરતાં આ આયાત મોંઘી બનશે અને પરિણામે કંપનીઓની પડતરમાં વધારો થશે. ચીનની સરકારે 18મી નવેમ્બરે નિકાસ પરના રિબેટમાં આ પ્રકારે ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. નિષ્ણાતોના અંદાજ મુજબ રિબેટમાં 4 ટકાના ઘટાડાને પગલે વિદેશના સોલાર મોડયુલ ખરીદતા ગ્રાહકોને પ્રતિ વોટ 0.02થી 0.03 યુઆન જેટલો વધારે ભાવ ચુકવવો પડશે.
ચીનની સરકારી આ નિર્ણય દેશમાં ઉત્પાદન માટેની જે વધુ પડતી ક્ષમતા પ્રસ્થાપિત થઇ છે તેને ધ્યાનમાં રાખીને લીધો છે. આ વધુ પડતી ક્ષમતાના કારણે ચીનની કંપનીઓ બજારની જરૂરિયાત હોય તેનાથી વધુ માલનું ઉત્પાદન કરે છે. આના કારણે વિવિધ ક્ષેત્રે કંપનીઓ નાદારી નોંધાવે એવી શક્યતા વધી જાય છે. હાલમાં ચીનમાં સોલાર મોડયુલ્સના સપ્લાયમાં અત્યંત વધારો થતાં વૈશ્વિક સ્તરે આ મોડયુલના ભાવમાં ઘટાડો આવ્યો છે. આના કારણે સોલાર પ્રોજ્ક્ટનું ડેવલપમેન્ટ કરતી ભારતીય કંપનીઓને પણ ફાયદો થયો છે. લાર્જ સ્કેલ સોલાર પ્રોજેક્ટમાં આ કંપનીઓની સરેરાશ પડતર કિંમત આના કારણે આશરે 25 ટકા જેટલી ઘટી ગઇ હતી. જોકે હવે આ પડતર કિંમત નોંધપાત્ર પ્રમાણમાં ઊંચી જશે.