ગરીબોને રાહત થઈ રહે તે માટે સરકાર દ્વારા અનાજની જાહેર વિતરણ વ્યવસ્થા સ્થાપિત કરવામાં આવી છે. ગરીબોને પૂરતું ભોજન મળી રહે તે માટે સરકાર દ્વારા મફત રાશન યોજના હેઠલ 80 કરોડ લાભાર્થીઓને અનાજ આપવામાં આવે છે.
પણ હવે એક એવો રિપોર્ટ સામે આવ્યો છે, જે ખૂબ જ આંચકાજનક છે. આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એફસીઆઈ) અને રાજય સરકારો દ્વારા અનાજનું જે વિતરણ કરવામાં આવે છે તેમાંથી 28 ટકા અનાજ સાચા લાભાર્થીઓ સુધી પહોંચતું જ નથી. આ અવ્યવસ્થાને કારણે સરકારી તિજોરીને રૂ.69,000 કરોડનું નુકસાન થાય છે. સૌથી ચોંકાવનારી બાબત એ રહી હતી કે, જાહેર વિતરણ વ્યવસ્થામાં રહેલી ખામીઓ મામલે ગુજરાત દેશમાં ટોપ-3 રાજયોમાં સામેલ છે. આ મામલે ગુજરાત સહિત ટોપ-3 રાજયોમાં અરૂણાચલ પ્રદેશ અને નાગાલેન્ડનો સમાવેશ થાય છે. ઈકોનોમિક થીંક ટેન્ક દ્વારા આ મામલે એક ખુલાસો કરવામાં આવ્યો છે અને સાથે ખુલાસો કરેલા પેપરમાં એવું પણ સૂચન કરવામાં આવ્યું છે કે, જાહેર વિતરણ વ્યસ્થામાં રહેલી ખામીઓને તાત્કાલિક દૂર કરવાની જરૂરિયાત છે. થીંક ટેન્કના આ ચોંકાવનારા ખુલાસા બાદ હાલ સૌથી મોટો એ પ્રશ્ન પેદા થયો છે કે, જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ જે 28 ટકા અનાજ ગરીબો સુધી પહોંચતું નથી, તો પછી અનાજનો આ જથ્થો ખરેખર ક્યાં જાય છે?, આ પ્રશ્ન ઊંડાણપૂર્વકની તપાસ માંગી લે તોવે છે, એમ નિષ્ણાતોએ જણાવ્યું હતું. ડિજિટલ ટ્રેકિંગ સિસ્ટમના અમલીકરણ છતાં ગરીબોનું અનાજ સગેવગે કરવાનો ભ્રષ્ટાચાર જારી છે.
હાઉસહોલ્ડ કન્ઝમ્પ્શન એક્સપેન્ડિચર સર્વે (એચસીઈએસ) અને એફસીઆઈના ઓગસ્ટ 2022થી જૂલાઈ 2023 વચ્ચેના માસિક ખરીદીના આંકડાનું વિશ્લેષણ કરતાં થીંક ટેન્કના પેપરમાં એવો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો હતો કે, બે કરોડ ટન ચોખા અને ઘઉં તેમના વાસ્તવિક લાભાર્થીઓ સુધી પહોંચતું જ નથી. જેના પગલે સરકારને વાર્ષિક ધોરણે રૂ.69,000 કરોડનો ફટકો પડે છે. ત્યારે અનાજનો આ જથ્થો કઈ તરફ પગ કરી જાય છે, તે તપાસનો વિષય છે. એવું બને કે, અનાજનો આ જથ્થો ઓપન માર્કેટમાં સગેવગે કરવામાં આવતો હોય અથવા બારોબાર એક્સપોર્ટ કરી દેવામાં આવતો હોય, એમ આર્થિક નિષ્ણાત દ્વારા જણાવવામાં આવ્યું હતું.
પેપરમાં વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, ઘઉં અને ચોખાના જે બે કરોડ ટન જથ્થાનું લીકેજ જોવા મળે છે તેનાથી નોંધપાત્ર નાણાંકીય બોજ પડે છે. જે આંકડામાં રૂ.69,108 કરોડ થાય છે. એટલે કે, સરકારી તિજોરીને આટલી રકમનો ફટકો પડે છે. જો કે આ આંકડો નાણાંકીય વર્ષ 2011-12માં નોંધાયેલા 46 ટકા લિકેજ કરતાં નોંધપાત્ર સુધારો દર્શાવે છે. અલબત્ત તાજેતરનો અહેવાલ એ વાત સૂચવે છે કે, મફત-સબસીડીવાળા અનાજનો નોંધપાત્ર જથ્થો હજુ હેતુસરના લાભાર્થીઓ સુધી પહોંચી રહ્યો નથી. પેપરમાં એ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, આ મામલે 2015માં સરકાર દ્વારા નિમવામાં આવેલ પેનલનો રિપોર્ટ પણ અભરાઈએ ચઢાવી દેવામાં આવ્યો છે. પેપરમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે, વર્ષ 2016માં રાશનની દુકાનો ખાતે મૂકાયેલ પોઈન્ટ ઓફ સેલ (પીઓએસ) મશીનથી અનાજના સગેવગે થતાં ગેપનું અંતર ઘટાડવામાં મદદ મળી હતી પણ હજુ પણ અનાજનું લિકેજ નોંધપાત્ર સ્તરે છે.
જાહેર વિતરણની ખામી મામલે દેશમાં ટોપ ત્રણ રાજયોમાં અરૂણાચલ પ્રદેશ, નાગાલેન્ડ અને ગુજરાતનો સમાવેશ થાય છે. ત્યારે ઉત્તરપૂર્વના રાજયમાં આ વ્યવસ્થામાં ખામીનું સૌથી મોટું કારણ ડિજિટલાઈઝેશનમાં રહેલા છીંડા છે. બિહાર અને પિૃમ બંગાળ એવા રાજયો છે જેમણે છેલ્લા એક દશકમાં પીડીએસ લિકેજમાં નોંધપાત્ર સુધારા પ્રાપ્ત કર્યા છે. ઉત્તરપ્રદેશમાં પીડીએસ લિકેજનું પ્રમાણ 33 ટકા હોવાનો અંદાજ છે. પેપરમાં જણાવ્યા મુજબ, લીક થયેલા અનાજના ચોક્કસ જથ્થાના સંદર્ભમાં ઉત્તરપ્રદેશ ટોચ પર છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને મહારાષ્ટ્રમાં સિફોનિંગનો દર ખૂબ જ ઊંચો છે. જ્યાં વારંવાર એવું જોવામાં આવે છે કે, અનાજના જથ્થાને ઓપન માર્કેટમાં મોકલી દેવામાં આવે છે.