આંતરરાષ્ટ્રીય બજારો પાછળ સપ્તાહના છેલ્લા દિવસે બુલિયન બજારમાં સામાન્ય સુધારો થયો હતો. ઘરઆંગણે સોનાનો ભાવ રૂ. 100 અને ચાંદીમાં રૂ. 500 વધેલા જોવા મળ્યા હતા. બુલિયન નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, ડોલરમાં નરમી અને અમેરિકા સહિતના દેશોમાં આર્થિક મંદીની સ્થિતિની સાથે વધી રહેલા જીઓ પોલિટિકલ ટેન્શનના કારણે સોનામાં રોકાણકારોનો રસ વધ્યો છે જેના પગલે ભાવમાં વધારો થઈ રહ્યો છે.
અમદાવાદ ખાતે 24 કેરેટ સોનું 10 ગ્રામ દીઠ રૂ. 100 વધીને રૂ. 76,500 અને 22 કેરેટ સોનું રૂ. 76,300 પ્રતિ 10 ગ્રામ થયું હતું. તેવી જ રીતે ચાંદી રૂ. 500 વધીને રૂ. 88,500 પ્રતિ કિલો થઈ હતી. વૈશ્વિક હાજર સોનું 2612 ડોલરથી વધીને 2620 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. વૈશ્વિક ચાંદી 31.18 ડોલર પ્રતિ ઔંસ થઈ હતી.
ઘરઆંગણે સોના અને ચાંદીના વાયદામાં નજીવું કરેક્શન દેખાયું હતું. સ્ઝ્રઠ સોનાનો ઓકટોબર વાયદો રૂ. 26 ઘટીને રૂ. 74,040 પ્રતિ 10 ગ્રામ અને ડિસેમ્બર વાયદો રૂ. 70 ઘટીને રૂ. 74,821 પ્રતિ 10 ગ્રામ રહ્યો હતો. સ્ઝ્રઠ ચાંદી રૂ. 55 ઘટીને રૂ. 90,135 પ્રતિ કિલો થયો હતો. કોમેક્સ સોનું શુક્રવારે 32.50 ડોલર વધીને 2647.50 ડોલર પ્રતિ ઔંસ અને કોમેક્સ ચાંદી 7.2 સેંટ વધીને 31.49 ડોલર પ્રતિ ઔંસ થઈ હતી.