સંસદના ચાલુ શિયાળુ સત્રનો આજે 13મો દિવસ છે. છેલ્લા ત્રણ દિવસથી અદાણી અને સોરોસ મુદ્દે સંસદના બંને ગૃહોમાં હોબાળો થઇ રહ્યો છે. રાજ્યસભામાં વિપક્ષી દળો અધ્યક્ષ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા છે. 72 વર્ષમાં આવુ પ્રથમ વખત છે જ્યારે રાજ્યસભાના અધ્યક્ષ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ આવી રહ્યો છે. ત્યારે રાજ્યસભામાં આજે અવિશ્વાસના પ્રસ્તાવને લઇને ભારે હોબાળો થતા રાજ્યસભાની કાર્યવાહી આવતીકાલ 11 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. ત્યારે આવો જાણીએ અવિશ્વાસના પ્રસ્તાવ પર ભાજપે શું કહ્યું.
સોરેસ મુદ્દે ધ્યાન ભટકાવવાની વિપક્ષનો કોશિશ- જે.પી નડ્ડા
રાજ્યસભાની કાર્યવાહી શરૂ થતા આજે અવિશ્વાસના પ્રસ્તાવ પર હોબાળો થયો હતો. આ અંગે ગૃહના નેતા જેપી નડ્ડાએ વિપક્ષ પર સોરોસ મુદ્દા પરથી ધ્યાન હટાવવાના કાવતરાના ભાગરૂપે અધ્યક્ષ સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાનો આરોપ લગાવ્યો હતો. જેપી નડ્ડાએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટીએ અધ્યક્ષ પર જે પ્રકારના આરોપો લગાવ્યા છે તે નિંદાને પાત્ર છે. તેમણે ક્યારેય ખુરશીનું સન્માન કર્યું નથી. તેઓએ જે કર્યું છે તે નિંદનીય છે. દેશ આક્રોશિત છે અને આ અંગે ચર્ચા થવી જોઈએ. ગૃહના નેતાના નિવેદન બાદ રાજ્યસભાની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત કરવામાં આવી હતી.
અમે તમારો ઈરાદો સફળ થવા દઈશું નહીં – રિજીજુ
તો સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ રાજ્યસભામાં કહ્યું કે હું ખૂબ જ દુઃખ સાથે ઉભો છું. ભારતીય લોકશાહીમાં 72 વર્ષ બાદ એક ખેડૂત પુત્ર ઉપરાષ્ટ્રપતિ પદ સુધી પહોંચ્યો અને દેશની સેવા કરી. આખા દેશે જોયું છે કે ઉપરાષ્ટ્રપતિએ ગૃહની ગરિમા કેવી રીતે જાળવી રાખી છે. વિપક્ષના લોકો ન તો ગૃહની ગરિમાનું સન્માન કરે છે કે ન તો અધ્યક્ષનું સન્માન કરે છે. તમે બહાર જઇને ઉપરાષ્ટ્રપતિનું નામ લઇને આરોપ લગાવો છો. તમે ગૃહના સભ્ય બનવા માટે યોગ્ય નથી. અમે આ દેશની અખંડિતતા અને સાર્વભૌમત્વને અકબંધ રાખવાના શપથ લઈને આવીશું. તમારો ઈરાદો ગમે તે હોય, અમે તેને સફળ થવા દઈશું નહીં.
કોંગ્રેસે માફી માગવી જોઇએ- કિરણ રિજીજુ
તેમણે વિપક્ષને આડેહાથ લેતા વધુમાં જણાવ્યું કે સોનિયા ગાંધી અને સોરોસ વચ્ચેની લિંક અમે નથી લાવ્યા. તે એક રેકોર્ડ છે. તમે લોકો ભારત વિરુદ્ધ કામ કરનારાઓ સાથે સંકલનમાં રહો છો. તમે ભારત વિરોધી લોકો સાથે ઉભા રહો અને અધ્યક્ષ વિરુદ્ધ નોટિસ આપો છો. આવા અધ્યક્ષ તો મળવા પણ મુશ્કેલ છે. ધનખડજીએ ઓફિસમાં અને ગૃહની બહાર બંને સમયે ખેડૂતો માટે વાત કરી છે. અમને ગર્વ છે કે ધનખડજી અધ્યક્ષ તરીકે આ ખુરશી પર બિરાજમાન છે. નોટિસ આપવાનું કામ તમે લોકો કરશો, અમે સહન નહીં કરીએ. સોનિયા ગાંધી અને સોરોસ વચ્ચેના સંબંધોનો જવાબ આપવો જોઈએ. કોંગ્રેસે માફી માંગવી જોઈએ.