વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રાઝિલના પ્રવાસે છે. તેઓ રિયો ડી જનેરિયોમાં G20 સમિટમાં ભાગ લઈ ચૂક્યા છે. રિયો ડી જેનેરિયોમાં G20 સમિટ દરમિયાન બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઈઝ ઈનાસિયો લૂલા દા સિલ્વા સાથે વાતચીત કરી.
રાષ્ટ્રપતિ લૂલાએ પીએમ નરેન્દ્ર મોદી સાથેની તેમની મુલાકાતમાં કહ્યું કે, અમે G20 સમિટની યજમાની તે જ રીતે કરવા માગીએ છીએ જે રીતે ગયા વર્ષે ભારતે કર્યું હતું.
પીએમ મોદીએ શેર કરી તસવીર
બ્રાઝિલના રાષ્ટ્રપતિ લૂલા સાથેની તેમની મુલાકાતની તસવીર શેર કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું છે કે રિયો ડી જનેરિયોમાં જી-20 સમિટ દરમિયાન રાષ્ટ્રપતિ લૂલા સાથે વાત કરી. G20 ના પ્રમુખપદ દરમિયાન બ્રાઝિલના ઉત્કૃષ્ટ પ્રયાસો માટે તેની પ્રશંસા કરી. આ દરમિયાન અમે દ્વિપક્ષીય સંબંધો પર વિગતવાર ચર્ચા કરી. ઉર્જા, બાયોફ્યુઅલ, સંરક્ષણ, કૃષિ અને અન્ય ક્ષેત્રોમાં સહકાર અંગે અનેક નિર્ણયો લીધા.
વિદેશ મંત્રાલયે શું કહ્યું?
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે વડાપ્રધાન મોદીએ G20 સમિટની સફળતાપૂર્વક યજમાની કરવા બદલ રાષ્ટ્રપતિ લૂલાનો આભાર માન્યો. તેમને કહ્યું કે “વડાપ્રધાને ‘ભૂખ અને ગરીબી સામે વૈશ્વિક જોડાણ’ પર બ્રાઝિલની પહેલને ભારતનું સંપૂર્ણ સમર્થન કરવાની ખાતરી આપી. ચર્ચામાં પુનઃપ્રાપ્ય ઉર્જા, બાયોફ્યુઅલ, સંરક્ષણ, કૃષિ, આરોગ્યસંભાળ અને ડિજિટલ ટેક્નોલોજીમાં વધુ સહકાર માટેની તકો શોધવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
બ્રાઝિલથી ગયાના જશે PM મોદી
સોમવારે વડાપ્રધાન મોદીનું G20 સમિટ સ્થળ પર રાષ્ટ્રપતિ લૂલા દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. મોદીની સાથે સાથે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને યુએસ પ્રમુખ જો બાઈડન 18-19 નવેમ્બરે રિયો ડી જેનેરિયો સમિટમાં ભાગ લેનારા નેતાઓમાં પણ સામેલ છે. બ્રાઝિલથી પીએમ મોદી, રાષ્ટ્રપતિ મોહમ્મદ ઈરફાન અલીના આમંત્રણ પર ગયાના જશે. 50થી વધુ વર્ષોમાં કોઈ ભારતીય વડાપ્રધાનની ગયાનાની આ પ્રથમ મુલાકાત હશે.