ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે પંજાબી સિંગર દિલજીત દોસાંઝનો કોન્સર્ટ યોજાયો હતો. દિલજીત હાલ ‘દિલ-લુમિનાટી’ ઈન્ડિયા ટૂર અંતર્ગત દેશના વિવિધ સિટીમાં કોન્સર્ટ કરી રહ્યો છે. અમદાવાદ પહેલા હૈદરાબાદમાં 15મીએ યોજાયેલા કોન્સર્ટ દરમિયાન દિલજીતે આલ્કોહોલ, ડ્રગ્સ શબ્દ પ્રયોગ થતાં કેટલાંક ગીતો ગાતા તેલંગાણા સત્તાવાળાઓએ દિલજીતને નોટિસ મોકલી હતી. નોટિસને અસરને કારણે દિલજીતે ‘શરાબ’ શબ્દ હટાવીને ગીતમાં ‘કોકા કોલા’ શબ્દ ઉમેર્યો હતો. પરંતુ આ ઘટના બાદ દિલજીતનો અંદર ભરાયેલો ગુસ્સો ગિફ્ટ સિટી કોન્સર્ટ દરમિયાન ઉભરો બનીને બહાર આવ્યો હતો. દિલજીતે કોન્સર્ટમાં કહ્યું કે ‘બોલિવૂડમાં ડઝનેક હજારો ગીતો દારૂ પર બને છે. મારી પાસે એક ગીત છે, વધુમાં વધુ 2-4 ગીતો હશે. હું તે પણ નહીં ગાઈશ, આજે પણ હું તે ગીતો નહીં ગાઈશ. બોલિવૂડના કલાકારો દારૂની જાહેરાત કરે છે પરંતુ મેં હજુ ના તો કોઈ જાહેરાત કરી છે. મેં આજ સુધી દારૂને હાથ નથી લગાવ્યો. હું જ્યાં જાઉં છું ત્યાં ચૂપચાપ મારો પ્રોગ્રામ કરીને જતો રહું છું’
સરકાર બધાં રાજ્યોમાં દારૂબંધી લાગુ કરી દે તો હું દારૂનાં ગીતો ક્યારેય નહીં ગાઉં : દિલજીત
દિલજીતે કોન્સર્ટ દરમિયાન સરકારને ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું ‘આપણાં જે પણ રાજ્યો છે, જો તેઓ પોતાને ડ્રાય સ્ટેટ્સ જાહેર કરે તો બીજા જ દિવસે દિલજીત દોસાંઝ દારૂ પર કોઈ ગીત નહીં ગાય. હું પ્રણ કરું છું. બીજું કે મારા જ્યાં પણ શો છે તે સિટીમાં તમે એક દિવસ માટે દારૂ પર પ્રતિબંધ લગાવી દો. હું કોન્સર્ટમાં દારૂ પર આધારિત ગીતો નહીં ગાઉં. આ મારા માટે ખૂબ જ સરળ છે. હું નવો કલાકાર છું અને તમે કહેશો, હું આ ગીત ગાઈ શકતો નથી, હું તે ગીત ગાઈશ નહીં. અરે, હવે મારે શું કરવું જોઈએ? હું ગીત બદલીશ અને તે એટલું જ મજાનું હશે.’
કોરોનામાં બધું બંધ હતું પણ દારૂના ઠેકાઓ ચાલુ હતા
દારૂ નામે રાજકીય રોટલા શેકતા કેટલાંક પોલિટિશિયન પર પ્રહાર કરતા દિલજીતે કહ્યું, ‘કોરોનામાં દેશમાં તમામ ધંધા-રોજગાર બંધ હતાં. પરંતુ દેશમાં દારૂના ઠેકાઓ ચાલુ હતાં. આ દેશના યુવાનોને તમે આવી રીતે મૂર્ખ નહી બનાવી શકો. જો ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે તો હું સરકારનો ચાહક છું. હું ઈચ્છું છું કે અમૃતસરમાં પણ દારૂ પર પ્રતિબંધ લાદવામાં આવે. હું દારૂ પર ગાવાનું બંધ કરીશ, તમે દેશના કોન્ટ્રાક્ટ બંધ કરો.’
દિલજીત ત્રણ દરવાજા પહોંચ્યો, ફાફડા-જલેબીની જ્યાફત માણી
દિલજીત દોસાંઝે ઈન્સ્ટાગ્રામ પર ગુજરાતી સોંગ ‘નામ અમદાવાદ…’ સાથે એક રીલ્સ અપલોડ કરી છે. જેના કેપ્શનમાં ‘કેમ છો અમદાવાદ’ લખ્યું છે. રીલ્સમાં તે ગુજરાતી સ્ટાઈલમાં ગરબા કરતો જોવા મળી રહ્યો છે. ત્યારબાદ તે પોતાની ટીમ સાથે અમદાવાદમાં ઓસવાલના ફફ્ડા-જલેબીની લુફ્ત ઉઠાવતો જોવા મળે છે. આ સાથે તે અમદાવાદની કેટલીક જગ્યાઓની મુલાકાત લે છે, જેમાં ત્રણ દરવાજા પહોંચે છે. અહીં ઊમટી પડેલા લોકોનું અભિવાદન કરતો જોવા મળે છે.