અમરેલીના બાબરાના જગદીશભાઈ અને તેમના મિત્ર એમ બંનેના દિકરાને અમરેલીની ખાનગી નિત્યમ વિદ્યા સંકુલના નામે ચાલતી શાળામાં 35,950 ફી આપી એડમિશન કરાવ્યું હતું, જેમાં 12,000 રૂપિયા એજ્યુકેશન ફી અને 23,950 રૂપિયા હોસ્ટેલ ફી મળી કુલ 35,950 રૂપિયા ચેકથી ભર્યા છે. 6 માસ બાદ બાળકોને કોઈ કારણોસર ત્યાં નહીં અનુકૂળ આવતા વાલીઓએ ત્યાંથી બાબરાની સ્થાનિક સ્કૂલમાં અભ્યાસ માટે બેસાડવા નિર્ણય કર્યો હતો.
સ્કૂલ ફીની રસીદ અને LC અલગ-અલગ શાળાના
જેના માટે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર નિત્યમ સ્કૂલના સંચાલક પાસે માગવામાં આવ્યું, પરંતુ ત્રણ ચાર દિવસ ગલ્લા તલ્લા કર્યા બાદ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું. ત્યારે વાલીઓ પણ સ્તબ્ધ બની ગયા કારણ કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર બંને બાળકોને અલગ અલગ શાળાઓનું આપવામાં આવ્યું હતું, એક ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને મોહન નગરનું સ્થળ ધરાવતી સુ મધુર પ્રાયમરી સ્કૂલનું પ્રમાણપત્ર આપ્યું તો બીજા 11માં ધોરણમાં અભ્યાસ કરતા બાળકને જેસીંગપરા રંગપુર રોડ ઉપર શિક્ષણ કાર્યથી 5 કિલોમીટર દૂર આવેલી તુન્ની વિદ્યા મંદિરના નામે ચાલતી સ્કુલનું આપવામાં આવ્યું છે.
જિલ્લા શિક્ષણ વિભાગે આપ્યા તપાસના આદેશ
ત્યારે શિક્ષણ વિભાગના અધિકારીઓના નાક નીચે આવી સ્કૂલો અમરેલીમાં કઈ રીતે ચાલે છે? તે એક મોટો સવાલ ઉભો થાય છે. બંને બાળકોની ફી પણ સંચાલક દ્વારા પાછી નથી આપવામાં આવી તેવું પણ જગદીશભાઈએ જણાવ્યું હતું. આ બાબતે જ્યારે જિલ્લા શિક્ષણ અધિકારીને પૂછવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે અમે સ્થળ તપાસ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. હાલ સુમધુર સ્કૂલ દ્વારા સ્થળ ફેરવવા માટેની ફાઈલ મૂકી છે, પરંતુ મંજૂરી મળી નથી અને સંસ્થા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
શિક્ષણ વિભાગના નાક નીચે આવી શાળા કેટલી ધમધમી રહી છે?
ત્યારે મહત્વની વાત તો એ છે કે અમરેલી શિક્ષણ વિભાગના નાક નીચે આવી શાળા કેટલી ધમધમી રહી છે? તે હવે તપાસનો વિષય બન્યો છે અને હવે અમરેલી જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા આ નિત્યમ વિદ્યા સંકુલ અને સંચાલક સામે શું પગલાં લેવામાં આવે છે કે ભીનું સંકેલાઈ તે આવનારો સમય જ બતાવશે.