ભુજની પ્રાથમિક શાળાના બાળકોને અઘરા લાગતા વિષય સરળતાથી કેવી રીતે ભણાવી શકાય તે માટે જે તે શાળાના શિક્ષકો સતત પ્રયાસો કરીને ઈનોવેટિવ પ્રોજેક્ટ તૈયાર કરતા હોય છે. આવા અનેક ઈનોવેટિવ પ્રોજેક્ટો વિવિધ શાળાઓના શિક્ષણમાં પણ વણી લેવામાં આવ્યા છે, જેનો સીધો ફાયદો બાળકોને થતો હોય છે.
31 જેટલા શિક્ષકોએ પોતાના ઈનોવેટિવ પ્રોજેક્ટ રજૂ કર્યા
એક સમય એવો હતો કે ધોરણ 1થી 3માં અભ્યાસ કરતા વિદ્યાર્થીની લખતા, વાંચતા પણ આવતું ન હતું, પરંતુ આવા ઈનોવેટિવ પ્રોજેક્ટોને કારણે બાળકો સરળતાથી વાંચતા, લખતા તો શિખ્યા સાથોસાથ સરળતાથી યાદ રાખતા પણ શીખ્યા છે. અભ્યાસ દરમ્યાન શિક્ષકો દ્વારા ઈનોવેટિવ પ્રોજેક્ટ અંતર્ગત કેવા પ્રકારની સરળ રીતો તૈયાર કરી છે, તેની જાણકારી અન્ય શાળાઓનાં શિક્ષકોને મળી રહે અને તેઓ તેમની શાળાના વિવિધ વર્ગોમાં જે તે વિષયનું અમલીકરણ કરવા પ્રેરાય તેવા ઉદેશ્ય સાથે દર વર્ષે ભુજ ખાતે તાલીમ ભવનમાં બે દિવસીય ઈનોવેટિવ ફેર રાખવામાં આવે છે. ત્યારે આ વખતના બે દિવસીય ઈનોવેટિવ ફેરમાં જિલ્લામાંથી 31 જેટલા શિક્ષકોએ પોતાના ઈનોવેટિવ પ્રોજેક્ટને રજૂ કરવામાં આવ્યા છે. જેને જોઈને મુલાકાતી શિક્ષકો પણ આશ્ચર્યમાં મુકાયા હતા.
બે દિવસમાં 900થી વધુ શિક્ષકો ઈનોવેટિવ ફેરને નિહાળશે
ભુજ ખાતે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનનાં પ્રાચાર્ય કમલેશ મોતાએ જણાવ્યું હતું કે, વિવિધ શાળામાં કેટલાક શિક્ષકો એવા હોય છે કે જે અભ્યાસનાં કઠિન બિંદુઓ કે જેને ભણાવવામાં બહુ મુશ્કેલી પડતી હોય અને વિદ્યાર્થીઓને પણ તે સમજવામાં કઠિનાઇ થતી હોય તેવા કઠિન બિંદુઓને સરળ રીતે, રમતાની જેમ કેવી રીતે ભણાવી શકાય તેના માટેનો ઇનોવેશન પ્રોજેક્ટ તૈયાર કરતા હોય છે. જે તેમના વર્ગોમાં સફળ પણ થયા હોય છે, ત્યારે આવા ઇનોવેટિવ પ્રોજેક્ટ માટે દર વર્ષે તાલીમ ભવન પરિસરમાં બે દિવસીય ઇનોવેશન ફેર યોજવામાં આવે છે, તેમાં આ વખતે ગુરુવારથી ઇનોવેશન ફેરનો પ્રારંભ જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમાર હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો છે. આ વખતે વિવિધ શાળાઓમાંથી કુલ ૩૧ જેટલા શિક્ષકોએ પોતાનાં ઇનોવેટિવ વિચારોને રજૂ કર્યા છે. ત્યારે બે દિવસમાં કુલ 900થી 1000 જેટલા શિક્ષકો આ ઇનોવેટિવ પ્રોજેક્ટને નિહાળીને પોતાનાં વર્ગખંડમાં પણ તેને અનુસરવાનો પ્રયત્ન કરશે.
પપેટ શોના માધ્યમથી ભાર વિનાના ભણતરનો પ્રયોગ
નવીન નગર પ્રાથમિક શાળાનાં આચાર્ય કૃપા નાકર દ્વારા પપેટ દ્વારા ભાર વિનાના ભણતરનો પ્રયોગ રજૂ કરવામાં આવ્યો છે. ખાસ કરીને ધોરણ 3 અને 4 લેખિત અને મૌખિક અભિવ્યક્તિમાં નબળા બાળકોને પપેટ દ્વારા આખા પાઠને સ્ક્રીપ્ટ અને ડાયલોગમાં કન્વર્ટ કરીને નાટક દ્વારા ભજવણી કરવામાં આવે છે. જેથી બાળકોને નાટક યાદ રહે છે. આ નાટક તેમના જે તે ધોરણનું જ એકમ હોય છે. આ રીતે ધોરણ 3થી 8 સુધીના તમામ વિષયોને પપેટ દ્વારા ભણાવી શકાય છે. આ માટે જૂના એક્સરે, નકામી ડિસો સહિતની બિનઉપયોગી ચીજવસ્તુઓની મદદથી પપેટ તૈયાર થતાં હોઈ ખર્ચ પણ થતો નથી. તો બાળકોને પણ પુસ્તકોની જરૂર પડતી નથી. પપેટ શો જોઇ બાળકોને મજા આવતી હોય તે બાળકો માટે ભારણ વિનાનું ભણતર બનાવે છે.
સંગીત દ્વારા યાદશક્તિનો ઈનોવેટિવ પ્રોજેક્ટ રજૂ
માધાપરની એમએસવી હાઇસ્કૂલનાં અર્થશાસ્ત્રનાં શિક્ષક પંકજ દહિસરિયાએ સંગીત દ્વારા યાદશક્તિનો ઇનોવેટિવ પ્રોજેક્ટ રજૂ કર્યો છે. ખાસ કરીને ધોરણ 12ના વિદ્યાર્થીઓને અર્થશાસ્ત્રનો વિષય હંમેશાં અઘરો લાગતો હોય છે. ત્યારે તેને સરળ બનાવવા માટેનો સંગીતનાં માધ્યમથી વિચાર આવ્યો. ખાસ કરીને બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને મુદ્દાઓ લખવાનાં હોય છે તે યાદ આવતાં નથી. ત્યારે તેઓને સરળતાથી યાદ રહી શકે તે માટે ક્લાસમાં સંગીતનાં માધ્યમથી રિવિઝન કરાવવામાં આવે છે. વિદ્યાર્થીઓને સંગીતમાં રસ હોય છે જેને કારણે જે તે મુદ્દાઓને તેમને ગમતા ગીતોમાં વણી લેવાથી વિદ્યાર્થીઓને સરળતાથી યાદ રહી જાય છે. વિદ્યાર્થીઓના માર્કસ પણ વધે છે અને સંગીતમાં પણ રસ વધે છે.
ઇનોવેટિવ પ્રોજેક્ટ તૈયાર કરનાર 72 શિક્ષકો સન્માનિત
જે તે શાળાનાં શિક્ષકો દ્વારા ઇનોવેટિવ પ્રોજેક્ટ તૈયાર કરીને તેમની શાળાનાં ધોરણ 1થી 3ના બાળકોને સરળતા પૂર્વક લખતા, વાચતા તો શિખવાડયું સાથોસાથ અભ્યાસમાં રુચિ પણ કરવામાં સફળ રહ્યા હતા તેવા શિક્ષકોને સન્માનિત કરવા માટે તાલીમ ભવન દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ માટે વિવિધ શાળાઓમાંથી અરજીઓ પણ મંગાવવામાં આવી હતી, જેમાંથી 72 જેટલા શિક્ષકોને પસંદ કરવામાં આવ્યા હતા. આ તમામ શિક્ષકોને તેમના ઇનોવેટિવ પ્રોજેક્ટને ધ્યાને લઇને તાજેતરમાં અદાણી ફાઉન્ડેશનનાં સહયોગથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જે સમગ્ર ગુજરાતની પ્રથમ ઘટના બની રહેવા પામી હતી.