દિવાળીના તહેવારો આડે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે બજારમાં ખરીદી કરવા આવતા ગ્રાહકોની ભીડ વધતા વાહન પાર્કિંગની સમસ્યા ઊભી થાય છે. જેથી મહાનગરપાલિકા દ્વારા મહિલાઓ માટે મહિલા બાગમાં વાહન પાર્કિંગની સુવિધા આપવામાં આવશે.
દિવાળીના તહેવારને લઈ બજારોમાં લોકોની ભીડ
આગામી દિવસોમાં હિન્દુ સનાતન ધર્મના મોટા તહેવારો દિવાળી, નવું વર્ષ, ભાઈ બીજ આવતા હોવાથી આ તહેવારોની ઉજવણી કરવા માટે શહેરના તથા આજુબાજુના ગામડાના લોકો અને ખાસ કરીને મહિલાઓ રૂપમ ચોક, પીરછલ્લા અને તેની આજુબાજુના વિસ્તારોમાં મોટાપાયે ખરીદી કરવા આવતા હોય છે. જેથી આ સમયગાળા દરમિયાન પુષ્કળ પ્રમાણમાં નાગરિકોની અવર જવર આ વિસ્તારોમાં રહે છે.
મહિલા બાગમાં મહિલાઓ માટે વાહન પાર્કિંગની સુવિધા
આ વિસ્તારમાં લોકોની ભારે અવરજવરના કારણે ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે અને લોકોને પણ વાહનો મુકવા બાબતે કોઈ અગવડતાં ઉભી ન થાય તે બાબતે ધ્યાનમાં રાખી આગામી તા. 27/10/2024થી તા. 15/11/2024 સુધી સવારે 8:00 કલાકથી રાત્રે 9:00 કલાક સુધી રૂપમ ચોક ખાતે આવેલ મહિલાબાગ બગીચામાં ફકત મહિલાઓ માટે વિનામૂલ્યે દ્વીચક્રીય વાહનો પાર્કીંગ કરવાની મંજૂરી આપવામાં આવે છે. આ સુવિધાનો મહિલાઓએ બહોળા પ્રમાણમાં લાભ લેવા મેયર ભરતભાઈ બારડ, સ્ટેન્ડિંગ ચેરમેન રાજુભાઈ રાબડીયા દ્વારા અનુરોધ કરવામાં આવે છે.
બજારો ફરી થઈ ધમધમતી
લોકો ઓનલાઇન શોપિંગ જગ્યાએ બજારમાંથી ખરીદી કરવાનું પસંદ કરી રહ્યા છે. જેના કારણે બજારમાં ફરી રોનક જોવા મળી રહી છે. બજારોમાં દિવાળીની ખરીદી માટે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. જેના કારણે બજારો ફરી વખત ધમધમતી થઈ છે.
ગૃહિણીઓ ઘરને સજાવવાની વસ્તુઓ ખરીદવામાં વ્યસ્ત
તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા નવરાત્રિ મહોત્સવ પૂર્ણ થયો છે અને આ દરમિયાન પણ લોકોએ બજારમાંથી ધૂમ ખરીદી કરી છે અને તે દરમિયાન પણ લોકોની ભારે ભીડ બજારમાં જોવા મળી રહી હતી. ત્યારે હાલમાં હવે લોકો દિવાળીની ખરીદી કરવામાં લાગી ગયા છે અને ફટાકડા, મીઠાઈ, નવા વાહનો, મોબાઈલ, કપડા, બૂટ, અને અન્ય જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ખરીદવામાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે.
31 ઓક્ટોબરે ઉજવાશે દિવાળી
ઉલ્લેખનીય છે કે આગામી 29 ઓક્ટોબરથી દિવાળીના તહેવારનો પ્રારંભ થઈ રહ્યો છે. જેમાં 29 ઓક્ટોબરે ધનતેરસ, 30 ઓક્ટોબરે કાળી ચૌદશ, 31 ઓક્ટોબરે દિવાળી અને લક્ષ્મી પૂજન, 2 નવેમ્બરે બેસતુવર્ષ અને 3 નવેમ્બરે ભાઈબીજની ઉજવણી કરવામાં આવશે.