ગુજરાતી કહેવત છે કે “પહેલો સગો પાડોશી” પરંતુ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પાવઠી ગામ ખાતે પાડોશીએ જ પાડોશીની હત્યા કરી નાખી અને હત્યા કરવા પાછળનું કારણ પણ નજીવુ છે. શેરીમાં રમતા બાળકોને ઠપકો આપવા ગયેલા એક યુવાનની પાડોશી ભાઈઓએ જ છરીના ઘા ઝીંકી હત્યા કરી દીધી.
બાળકોના ઝઘડામાં હત્યાનું સ્વરૂપ ધારણ થયું
તળાજા તાલુકાના પાવઠી ગામમાં ગત 21 સપ્ટેમ્બરના રોજ બપોરના સમયે શેરીમાં રમી રહેલા બાળકો વચ્ચે ઝઘડો થયા બાદ બંને બાળકોના પિતા વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં ઉશ્કેરાઈ ગયેલા એક શખ્સે છરી વડે હુમલો કરતા યુવકનું મોત નીપજ્યું હતું અને બાળકોના ઝઘડામાં હત્યાનું સ્વરૂપ ધારણ થઈ જતા સમગ્ર ગામમાં ભારે ઉત્તેજનાનો માહોલ ફેલાઈ ગયો હતો.
તળાજા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો
પાવઠી ગામમાં રહેતા જીતુભાઈ સડસાભાઈ ડાભી અને તેમની પાડોશમાં રહેતા પરેશભાઈ સોમાભાઈ પરમાર બંને પાડોશી છે અને તેમના નાના બાળકો શેરીમાં રમી રહ્યા હતા, ત્યારે બાળકોના ઝઘડાને લઈ જીતુભાઈ ડાભીના પાડોશી પરેશભાઈના ઘરે ઠપકો આપવા માટે ગયા હતા, જ્યાં ઉગ્ર બોલાચાલી થતાં ઉશ્કેરાઈ ગયેલા પરેશભાઈએ છરી વડે હુમલો કર્યો હતો, જેમાં જીતુ ડાભીને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં લાવતા સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. હત્યાના બનાવની જાણ થતાં તળાજા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને હત્યા કરી ફરાર થયેલા બંને ભાઈઓને શોધવા તજવીજ હાથ ધરી હતી.
પોલીસે આરોપીને ઝડપી અટકાયત કરી
તળાજા તાલુકાના પાવઠી ગામે બાળકોની બાબતે થયેલા ઝઘડામાં હત્યાનો બનાવ બની જતા હત્યા કરનાર બંને પાડોશી ભાઈઓ હત્યા કરી ફરાર થઈ ગયા હતા. તળાજા પોલીસે મૃતકની પત્નીની ફરિયાદ નોંધી આરોપીઓને શોધવા તજવીજ હાથ ધરી હતી, આ દરમ્યાન પોલીસને મળેલી બાતમીના આધારે હત્યારા બંને ભાઈઓ અશ્વિન સોમા પરમાર અને પરેશ સોમા પરમાર બંને પાવઠી ગામની વાડીમાં સંતાયેલા હોય જેને પોલીસે ઝડપી તેમની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
બાળકો વચ્ચે થયેલા ઝઘડામાં પાડોશીને સમજાવવા ગયેલા યુવાનની બે ભાઈઓએ હત્યા કરી નાખતા સમગ્ર પાવઠી ગામમાં શોકનો માહોલ જોવા મળ્યો છે, ત્યારે એક બાળકનો પિતા મૃત્યુ પામ્યો છે તો બીજા બાળકનો પિતા જેલમાં ધકેલાયો છે. બાળકો વચ્ચે થયેલા ઝઘડાનું પરિણામ આટલું ગંભીર આવશે એ કોઈને પણ સ્વપ્ને પણ ખ્યાલ ના હતો.