ભાવનગર પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી વીજ તંત્ર દ્વારા ચેકિંગ કરીને લાખો રૂપિયાની ગેરરીતિ ઝડપી લેવામાં આવતા વીજ ચોરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. પીજીવીસીએલ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, જેમાં GUVNL દ્વારા મહુવા ડિવિઝન નીચે આવતા જેસર તેમજ બગદાણા પંથકમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું.
ડાયરેક્ટ વાયર જોડીને વીજ ચોરી આચારવામાં આવતા ગ્રાહકોને રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા
GUVNLની કુલ 46 ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને 564 જોડાણ ચેક કરવામાં આવ્યા હતા. આ ચેકિંગ દરમિયાન 120 રહેણાંક, 5 કોમર્શિયલ અને એક ખેતીવાડી જોડાણમાં વીજ ચોરી થતી હોવાનું બહાર આવ્યું હતું. ત્યારે 126 જોડાણો પૈકી 40 કનેક્શનમાં ડાયરેક્ટ વાયર જોડીને વીજ ચોરી આચારવામાં આવતા ગ્રાહકોને રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા હતા. ત્યારે જે લોકો વીજ ચોરી કરી રહ્યા હતા તેમને તંત્ર દ્વારા રૂપિયા 61.91 લાખના વીજ બિલ પણ ફટકારવામાં આવ્યા છે.
ભાવનગર શહેરમાંથી ઝડપાઈ વીજચોરી
તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા ભાવનગર શહેરમાંથી વીજચોરી ઝડપાઈ હતી. 16 જેટલા રહેણાંકી વીજ ગ્રાહકો પાસેથી 9 લાખ રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ હતી. શહેરના કુંભારવાડા વિસ્તારમાં PGVCL દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. 45 જેટલા વીજ કનેક્શનોની તપાસ કરવામાં આવી, જેમાં 16 કનેક્શનમાંથી વીજચોરી ઝડપાઈ હતી. PGVCLની અલગ અલગ 5 જેટલી ટીમ દ્વારા વીજ ચેકીંગની કામગીરી કરવામાં આવી હતી. PGVCLની ટીમ દ્વારા વીજ ચેકીંગ અચાનક કરવામાં આવતા લોકોમાં ભય જોવા મળ્યો હતો.