ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષા આગામી 27મી ફેબ્રુઆરીથી આરંભ થઈ રહ્યો છે. બોર્ડની પરીક્ષા અંતર્ગત ભાવનગર શહેર અને જિલ્લામાંથી કુલ 61,057 વિદ્યાર્થીઓ બેસશે. આ અંગે સાંપડતી માહિતી અનુસાર, આગામી 27મી ફેબ્રુઆરીથી શરૂ થનારી ધોરણ 10 અને 12 (સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ)ની બોર્ડની પરીક્ષાઓને અનુલક્ષીને જિલ્લા કલેકટર આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને ભાવનગર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી.
સફળ સંચાલન માટેનો એકશન પ્લાન-2025 રજૂ કર્યો
જેમાં પરીક્ષા કેન્દ્રો પર પીવાના પાણી, પ્રાથમિક આરોગ્યની સુવિધાઓ, જિલ્લા, તાલુકા-ગ્રામ્યકક્ષાએથી આવતા પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવામાં કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે વધારાની બસો ફાળવવા અને વિદ્યાર્થીઓને લેવા જતી બસ કોઈપણ કારણોસર બંધ પડે તો તાત્કાલિક અન્ય બસોની વૈકલ્પિક વ્યવસ્થા તૈયાર રાખવા, વીજ પુરવઠો સતત જળવાઈ રહે તે જોવાની સાથે પરીક્ષાની પૂર્વ તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારી હિતેન્દ્રસિંહ પઢેરીયાએ ધોરણ 10 અને 12 (સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ)ની બોર્ડ પરીક્ષાના સફળ સંચાલન માટેનો એકશન પ્લાન-2025 રજૂ કર્યો હતો.
ધોરણ 10 માટે 141 બિલ્ડીંગ, 1319 બ્લોકમાં પરીક્ષા યોજાશે
નોંધનીય છે કે, ભાવનગર જિલ્લામાં ધો.10ના 37,373 ધો.12 (સામાન્ય પ્રવાહ)ના 17,318 તથા ધો-12 (વિજ્ઞાન પ્રવાહ)ની પરીક્ષામાં 6,366 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 10 માટે 141 બિલ્ડીંગ, 1319 બ્લોકમાં પરીક્ષા યોજાશે. તેવી જ રીતે ધો-12 (વિજ્ઞાન પ્રવાહ) માટે 30 બિલ્ડીંગ, 321 બ્લોક અને ધો-12 (સામાન્ય પ્રવાહ) માટે 62 બિલ્ડીંગ, 576 બ્લોકમાં પરીક્ષા યોજાશે. તમામ પર CCTV કેમેરાની બાજ નજર રહેશે. આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. હર્ષદ પટેલ, નિવાસી અધિક કલેક્ટર એન.ડી.ગોવાણી સહિત જિલ્લા પરીક્ષા સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
શિક્ષણ મંત્રીએ સુચારૂ આયોજન ઘડવા માટે ભાર મુક્યો
વીડિયો કોન્ફરન્સ દ્વારા કેબિનેટ શિક્ષણમંત્રી કુબેર ડીંડોર, રાજ્યકક્ષાના મંત્રી પ્રફુલ પાનશેરીયાએ તમામ જિલ્લાને બોર્ડની પરીક્ષાઓ દરમિયાન વિદ્યાર્થીઓ નિર્ભયપણે પરીક્ષા આપી શકે તેવું સુચારૂં આયોજન ઘડી કાઢવા જરૂરી સુચનો સાથે માર્ગદર્શન પુરું પાડ્યું હતું.