ભાવનગરના તળાજા નજીક લકઝરી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં 6 વ્યક્તિના મોત નીપજ્યા જ્યારે 15 વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા. વહેલી સવારે ભાવનગર નેશનલ હાઇવેના ત્રાપજ નજીક અકસ્માત થયો. આજે વહેલી સવારે મારુતિ ટ્રાવેલ્સની બસ અને રેતી ભરેલા ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો. મૃતક ઇજાગ્રસ્ત મહુવા રાજુલા વિસ્તારના રહેવાસી.
ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ફરી એકવાર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. રોડની સાઈડ પર પાર્ક કરેલા ડમ્પર પાછળ એક ખાનગી બસ ઘુસી ગઈ હતી. જેમાં 6 લોકોના મોત થયા છે અને 15થી વધુ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે.
બસના પતરા કાપી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા
મળતી માહિતી અનુસાર, ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ત્રાપજ નજીક સર્જાયેલો અકસ્માત એટલો ભયાનક હતો કે બસની એક સાઈડનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બસના પતરા કાપીને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. હાલ મૃતદેહને પી.એમ. અર્થે ખસેડ્યા છે, જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.