ભાવનગર શહેરના હાદાનગર વિસ્તારમાં રહેતા એક હીરાના દલાલ સાથે ત્રણ શખ્સોએ તળાજા લઈ જઈ ટુવાલ વડે ગળે ટૂંપો દઈ ગળાફાંસો આપી હત્યા કરી બાબરા તાલુકાના એક ગામમાં આ દલાલની લાશ સળગાવી દઈ પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન કરતા બાબરા પોલીસે ત્રણેય હત્યારાઓની ધરપકડ કરી સમગ્ર બનાવનો ભેદ ઉકેલી નાખ્યો છે.
21 સપ્ટેમ્બરે હત્યા કરવામાં આવી હતી
સમગ્ર બનાવ અંગે નિલમબાગ પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર શહેરના હાદાનગર વિસ્તારમાં આવેલી સર્વોદય સોસાયટીમાં રહેતા અને છેલ્લા 20 વર્ષથી નિર્મળનગરમાં હીરાની દલાલીનો વ્યવસાય કરતા ધીરુભાઈ ઉકાભાઈ રાઠોડ 21 સપ્ટેમ્બરે સાંજે આશરે 5 વાગ્યાની આસપાસ 18 કેરેટના હીરા જેની કિંમત આશરે રૂપિયા 5,20,000 વેપારીઓ પાસેથી હીરાના પેકેટ લઈ આરોપીઓ કિશન ઉર્ફે કાનો ઘનશ્યામ ચુડાસમા રહે.નારી ગામ, મનહર કિશોર ખસિયા રહે.જ્વેલર્સ સર્કલ તથા રાહુલ રમેશ પરમાર રહે.બોરતળાવ વાળાએ દલાલ ધીરુભાઈને જ્વેલર્સ સર્કલ પાસેથી પોતાની કાર નંબર GJ 04 AP 4004માં બેસાડી તળાજા હીરા વેચવા જવાનું કહી દલાલને લઈ ગયા હતા.
બાબરા પોલીસે ત્રણેય હત્યારાઓની ધરપકડ કરી
આ આધેડને તળાજા ગોપનાથ રોડ પર લઈ જવામાં આવ્યા અને ત્યાં કોઈ બાબતે બોલાચાલી થતાં આરોપીઓએ ઉશ્કેરાઈ જઈ ટુવાલ વડે ગળેટૂંપો દઈ ઠંડા કલેજે હત્યા કરી નાખી હતી અને ત્રણેય શખ્સો આધેડની લાશને ઠેકાણે પાડવા અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ધરાઈ ગામ પાસે પહોંચ્યા હતા, જ્યાં કૃષ્ણનગરથી મોટા દેવળીયા તરફ જવાના રોડ પર અવાવરું જગ્યાએ લાશ ઉપર ડીઝલ છાંટી આગ ચાંપી કરીને પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન કર્યો હતો, એ દરમિયાન બાબરા પોલીસ સ્ટેશનના જવાનો પેટ્રોલિંગમાં હોય તેઓ ત્યાં આગનો ભડકો જોઈને દોડી આવતા ત્રણે હત્યારાઓનો પ્લાન ઉંધો પડ્યો હતો અને બાબરા પોલીસે ત્રણેય હત્યારાઓની ધરપકડ કરી સમગ્ર મુદ્દે ભાવનગર પોલીસને જાણ કરી હતી.
આથી પોલીસે ત્રણેય હત્યારાઓનો કબજો લઈ તપાસ હાથ ધરી હતી. આ બનાવ અંગે મૃતકના પુત્ર દેવેન ઉર્ફે ટીણો ધીરુભાઈ રાઠોડે ત્રણેય હત્યારાઓ વિરુદ્ધ નિલમબાગ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હીરાના દલાલની હત્યા થઈ હોવાના સમાચાર મળતા નિલમબાગ પોલીસ મથક ખાતે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને નિલમબાગ પોલીસ મથક ખાતે ત્રણેય હત્યારાઓ વિરુદ્ધ ફરિયાદ કરવા મૃતકના પુત્રની સાથે રહ્યા હતા.
આરોપીઓને ટ્રાન્સફર વોરંટથી ભાવનગર ખાતે લાવવામાં આવશે
મૃતક પોતાના ઘરે તેમના પુત્રવધુને તળાજા ખાતે આરોપીઓ સાથે જવાની વાત કરીને આવ્યા હતા, જેથી મોડી રાત સુધી મૃતક ઘરેના આવતા અને તેમનો મોબાઈલ પણ બંધ આવતા મૃતકનો પુત્ર થોડા સમય માટે ગભરાઈ ગયો હતો અને વહેલી સવારે તેમના પિતાની હત્યા થઈ હોવાની વાત સાંભળતા જ પુત્રના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
18 કેરેટ હીરાનું પેકેટ લઈને પોતાના પુત્ર જેવડા આરોપીઓ સાથે કોઈપણ જાતનો ભય સંકોચ રાખ્યા વગર મૃતક ધીરુભાઈ તળાજા ખાતે ગયા ત્યારે ધીરુભાઈ સાથે બનેલી ઘટનાને લઈ મૃતક ધીરુભાઈ પણ થોડા સમય માટે સંબંધો અને વિશ્વાસના કારણે જે વ્યક્તિ ગયેલો તેણે સ્વપ્નમાં પણ ના વિચાર્યું હોય એવું મોત આપવામાં આવ્યું. હાલ તો નિલમબાગ પોલીસ દ્વારા આરોપીઓને ટ્રાન્સફર વોરંટથી ભાવનગર ખાતે લાવવા તજવીજ હાથ ધરવામાં આવી છે અને હવે આ ત્રણેય આરોપીઓ જેલની હવા ખાતા થઈ ગયા છે.