Bengaluru Air Taxi: બેન્ગલોર ઘણા કારણસર ફેમસ છે અને તેમાનો એક મુખ્ય કારણ છે ટ્રાફિક. ઘણી વાર એક કિલોમીટર કાપવા માટે એક કલાકનો સમય પણ લાગી જાય છે. ઘણી વાર તો એવું બન્યું છે કે ફ્લાઇટ બેન્ગલોરથી મુંબઈ પહોંચી જાય તો પણ વ્યક્તિ હજુ એરપોર્ટ પર જ અટવાયેલું રહે. આ ટ્રાફિકને કારણે ટેક્સીના ભાડા પણ મોંઘા થઈ જાય છે અને ઘણી વાર એ ફ્લાઇટની ટિકિટ કરતા વધારે ચાર્જડ થાય છે. બેન્ગલોર અને ટ્રાફિક હંમેશાં ચર્ચામાં રહે છે.
કોણ બનાવશે?
બેન્ગલોર ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ અને સરલા એવિએશન સાથે મળીને આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. બેન્ગલોરના ટ્રાફિકને બાયપાસ કરવાનો એક માત્ર ઉપાય છે – એર સર્વિસ. આથી હવે બે કંપનીઓ મળીને એર ટેક્સી પર કામ કરી રહી છે. આ એર ટેક્સી ઇલેક્ટ્રીક હશે અને તે વર્ટિકલ ટેકઓફ અને લેન્ડિંગ કરશે, એટલે તેને રનવેની જરૂર નહીં પડે. હેલિકોપ્ટરની જેમ જ એ કામ કરશે. ફ્યુચરિસ્ટિક ડિઝાઇન સાથે, તે પ્રદૂષણ પણ ઓછું કરશે.
સમયનો બચાવ
આ એર ટેક્સી શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ છે સમયનો બચાવ. સિટી સેન્ટરથી એરપોર્ટ પહોંચવા માટે બે કલાકનો સમય લાગે છે, તે પણ ટ્રાફિક ન હોય ત્યારે. ટ્રાફિકમાં ચારથી પાંચ કલાક પણ નીકળી શકે છે. આ એર ટેક્સી સર્વિસ સિટી સેન્ટરથી એરપોર્ટ ફક્ત 20 મિનિટમાં પહોંચાડી દેશે. આ સર્વિસ બિઝનેસમેન, વધુ ફ્લાઇટનો ઉપયોગ કરનાર, અને સમય ઓછો હોય અને જલદી પહોંચવું હોય તેવા લોકોને ખૂબ ફાયદાકારક રહેશે.
બજેટ લક્ઝરી
બેન્ગલોર એરપોર્ટથી ઇલેક્ટ્રોનિક સિટી સુધી મુસાફરી માટે અંદાજે 1700 રૂપિયા ચાર્જ કરવામાં આવશે. આ પૈસા કેટલીક પ્રીમિયર કેબ સર્વિસ કરતાં પણ ઓછા છે. બેન્ગલોરમાં પ્રીમિયમ કેબ સર્વિસ પણ વધુ ચાર્જ કરે છે અને એની સરખામણીમાં આ ટેક્સી વધુ સારી અને ઝડપી સેવા પૂરી પાડશે.
પ્રદૂષણ અટકશે
આ એર ટેક્સી ઇલેક્ટ્રિસિટી પર ચાલે છે, એટલે તે પ્રદૂષણ પેદા નહીં કરે. આથી ઘણા લોકો ટેક્સી અને પ્રાઇવેટ કારનો ઉપયોગ ટાળશે, કારણ કે એર ટેક્સી વધુ ઝડપથી પહોંચાડી શકે છે. જેટલો ઓછો પેટ્રોલ-ડીઝલ ટેક્સીનો ઉપયોગ, તેટલું ઓછું પ્રદૂષણ.
આ પણ વાંચો: વિજ્ઞાનીઓના નવા રિસર્ચનો દાવો: મંગળ ગ્રહની બરફની નીચે છુપાયેલું છે રહસ્યમય જીવન?
સ્પીડ અને રેન્જ
આ ટેક્સી 250 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલી શકે છે. આ ટેક્સીમાં પાઇલટની સાથે છ પેસેન્જર બેસી શકશે. તેની ચાર્જ થવા માટે ફક્ત 15 મિનિટનો સમય લાગશે. આ ટેક્સીની રેન્જ 160 કિલોમીટરની છે. એરપોર્ટથી સિટી સેન્ટર સુધીની મુસાફરી 20થી 40 કિલોમીટરની અંદર થઈ શકે છે.