આંતરરાષ્ટ્રીય અને આંતર રાજ્ય સરહદી વિસ્તાર એવા ભાભર તાલુકાના અબાળા ગામે છેલ્લા કેટલાક વર્ષોથી એક ગૌપ્રેમી દ્વારા ઓર્ગેનિક ખેતી માટે અને ગૌ ધન જતન માટે ગોપાલકોને પ્રોત્સાહન આપવા માટે પાંચ રૂપિયે લીટર ભાવે ગૌમૂત્ર ગૌ પાલકો પાસેથી ખરીદીને એક નાનકડી ગૌમૂત્ર આધારિત ધન ભુમી નામની પ્રવાહી દવા બનાવી ખેડૂતોને ખેતપેદાશ આપવામાં આવતી હતી.
અનેક ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા
જો કે આનું સારૂં પરિણામ મળતાં અનેક ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા છે. રોજનું 1500 લીટર ગોપાલકો પાસેથી ગૌમૂત્ર ખરીદી વેસ્ટ જતું ગૌમૂત્ર બેસ્ટ બનાવી અને ખેડૂતોને ઓર્ગેનિક ખેતી માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. નાની એવી 1500 લીટર ગૌમૂત્રમાંથી પ્રવાહી જૈવિક ખાતર બનાવતા યુનિટ સામે ગોપાલકો વધુમાં વધુ ગૌમૂત્ર વેચાણ અર્થે આવતા હવે ડેરી બનાવવામાં આવી છે.
ગૌમૂત્રમાં અન્ય ઔષધિઓ ભેળવી બનશે ખેત પેદાશો માટે ની દવાઓ
હવે રોજનું 10 હજાર લીટર ગૌમૂત્રમાંથી પ્રવાહી જૈવિક ખાતર બનાવી શકે તેવી ભાભર પાસે દેશની સૌપ્રથમ ગૌમૂત્ર ડેરી આજે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભભાઈ કથેરીયા અને પરમ પુજ્ય બ્રહ્મ સાવિત્રી સિદ્ધ પિઠાધીશ્વવર જગત ગુરુ બ્રહ્મ રૂષિ તુલછારામ મહારાજની ઉપસ્થિતિમાં ખુલ્લી મૂકવામાં આવી.
ગૌમૂત્ર ખરીદી તેની પર પ્રોસેસ કરીને પ્રવાહી જૈવિક ખાતર બનાવવામાં આવે છે
આ બાબતે ગૌમૂત્ર ડેરીના ડાયરેક્ટર મદનલાલ પુરોહિતે જણાવ્યું હતું કે દરરોજનું 10 હજાર લીટર ગોપાલકો પાસેથી ગૌમૂત્ર ખરીદી ગૌમૂત્રના ત્રણ પાર્ટ કરવામાં આવે છે, આધુનિક લેબ દ્વારા રિસર્ચ કરી ત્રણ પાર્ટમાં 10 હજાર લિટર ગૌમૂત્રમાં 5 લીટર શુદ્ધ પાણી પણ નીકળશે અને અન્ય પાર્ટમાં ઔષધીઓ ભેળવી પ્લાન્ટ દ્વારા પ્રોસેસ કરીને પ્રવાહી જૈવિક ખાતર બનાવી ખેડૂતોને વેચાણ આપી ઓર્ગેનિક ખેતી માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.
અનેક લોકોને મળશે રોજગારી
આ સાથે જ છેવાડાના ગોપાલકોને રોજગારી મળશે. રોજના 50થી 60 હજાર રૂપિયાનું ગૌમૂત્ર ખરીદવામાં આવશે અને ગૌ વર્ધન થશે, ખેડૂતો વધુને વધુ ગાયોને પાળશે અને તેમાં જૈવિક ખેતી તરફ ખેડૂતો વળે એવા ઉદ્દેશથી આ પ્લાન્ટ ઊભો કરવામાં આવ્યો છે.