બહુચરાજી તાલુકાના ડોડીવાડા ગામની સીમમાં આદીવાડા જવાના રોડ પરથી પસાર થતી દેલપુરા- ડોડીવાડા માઇનોર કેનાલ ઓવરફ્લો થતા અને એક વર્ષથી તૂટી ગયેલી કેનાલના ગાબડામાંથી નર્મદાનું પાણી બાજુના ખેતરમાં ફરી વળ્યું હતું. અને આ પાણી રોડ ઉપર ભરાઈ જતા અહીંથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકી નો ભોગ બનવું પડયું હતું.
ડોડીવાડા-આદીવાડા ગામની વચ્ચેથી પસાર થતી દેલપુરા-ડોડીવાડા માઇનોર કેનાલમાં રોડની બાજુની કુંડી પાસે પડેલું ગાબડુ છેલ્લા એક વર્ષથી રીપેર કરવામાં આવ્યું નથી. જ્યારે કેનાલહૈ હજુ સુધી સાફ્ સફાઇ કરાઈ ન હોવાથી નકામું ઘાસ ઊગી નીકળ્યું છે. જેના કારણે ગુરુવારે પાણી છોડવામાં આવતા કેનાલ ઓવરફ્લો થઈ હતી અને જયાં ગાબડું પડેલું છે તે જગ્યાએથી પાણીનો રેલો બાજુના ખેતરમાં જતાં આખું ખેતર ભરાઈ ગયું હતું અને ત્યાંથી આ પાણી ડોડીવાડા-આદીવાડા મુખ્ય રોડ પર એકાદ ફૂટ જેટલું ભરાઈ ગયું હતું. જેના કારણે અહીંથી પસાર થતાં રાહદારીઓ,ટુ-વ્હીલર અને રીક્ષા ચાલકોએ ભારે હાડમારીનો ભોગ બનવું પડયું હતું. ખેડૂતોએ આક્રોશ ઠાલવતા જણાવ્યું છે કે આ કેનાલનું કામ ગુણવત્તા મુજબ કરાયું ન હોવાથી અવાર-નવાર તૂટી જાય છે. હાલમાં કુંડીની બાજુમાં ગાબડું પડે એક વર્ષ થયું છે. પરંતુ નર્મદા વિભાગના નઘરોળ અધિકારીઓને તે રીપેર કરવાનો સમય મળ્યો નથી. અને કેનાલની આજદિન સુધી સાફ્ સફાઇ કરવામાં આવી નથી. પરિણામે ઓછું પાણી છોડે તો પણ આગળ ન જઈ શકતા ઓવરફ્લો થતી હોય રિપેર અને સફાઇ થાય તેવું ખેડૂતો ઈચ્છી રહ્યાં છે.