પોલીસે રાત્રે જ રાણાવાડી ખાડમાં સંતાયેલા હત્યારાને દબોચી લીધો
ભુજ: ભુજના સંજોગનગર મોટા પીર ચોકડી પાસે એક હજાર પર ન આપવા મુદે યુવાનને છરીના ઘા ઝીંકી હત્યા નીપજાવનારા આરોપીને મોડી રાત્રે જ એ ડિવિઝન પોલીસે ખાસરા ગ્રાઉન્ડ રાણાવાડી ખાડમાંથી ઝડપી લીધો હતો. આરોપીને આગળની કાર્યવાહી માટે કોર્ટમાં રજુ કરવા તજવીજ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ભુજના ભારતનગરમાં રહેતા રૂજૈન અબ્દુલરજાક હિંગોરજા (ઉ.વ.૨૦) પર મુસ્તફાનગરમાં રહેતો ઇમરાન ઉર્ફે વાલડી મુબારક જુણેજા (ઉ.વ.૩૫) એક હજાર રૂપિયા માંગતો હતો. જે બાબતે બન્ને વચ્ચે તકરાર ચાલતી હતી. દરમિયાન ગુરૂવારે રાત્રીના સાડા નવ વાગ્યાના અરસામાં મોટા પીર ચોકડી ઇમામ ચોકમાં ઇમરાને રૂજૈન પાસેથી એક હજાર રૂપિયાની માગણી કરી હતી. અને બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં ઇમરાન ઉસ્કેરાઇ જઇને રૂજૈનને છાતીના ભાગે તેમજ સાથડમાં છરીના ઘા માર્યા હતા. જેમાં રૂજૈન હિંગોરજાનું ગંભીર ઇજાઓને કારણે મોત નીપજ્યું હતું. નવરાત્રીના પ્રથમ નોરતે હત્યાનો બનાવ સામે આવતાં પોલીસમાં દોડધામ મચી ગઇ હતી. પોલીસની ટીમે તપાસ તેજ કરીને ભુજના ખાસરા ગ્રાઉન્ડમાં રાણાવાડી ખાડમાં છુપાયેલા હત્યારા ઇમરાનને છરી સાથે ઝડપી લીધો હતો. આરોપી ઇમરાન જુણેજા સામે આણંદ જીઆડીસી પોલીસ મથકમાં લૂંટ મારા મારી તેમજ ભુજ એ ડિવિઝન, તથા બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનાઓ નોંધાયા છે. એ ડિવિઝન પોલીસે આરોપીની વિધિવત ધરપકડ બતાવીને આરોપીને કોર્ટમાં રજુ કરવાની તજવીજ હાથ ધરી છે.આ કામગીરીમાં કામગીરીમાં પીઆઇ એ.જી.પરમાર ડી.ઝેડ.રાઠવા,ઉમેશ બારોટ,મહિદીપસિંહ જાડેજા,રાજુભા જાડેજા,જયંતિભાઈ મહેશ્વરી, જીવરાજ વી.ગઢવી સહિતનો સ્ટાફ કાર્યવાહીમાં જોડાયો હતો.