દેવભૂમિદ્વારકા જિલ્લામાં વરસાદનો વધુ એક રાઉન્ડ જોવા મળી રહ્યો છે. ભાણવડમાં સતત બીજા દિવસે પણ વરસાદ યથાવત છે. ભાણવડમાં સતત બે દિવસથી બપોર બાદ વરસાદ યથાવત જોવા મળી રહ્યો છે.
નવાગામ, ગુંદા, મેવાસા સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ
ભાણવડ તાલુકાના રોજીવાડા, નવાગામ, ગુંદા, મેવાસા સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ભાણવડના નવાગામ ગામે વરસાદી પાણી બજારોમાં વહેતા થયા છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં હવે ચોમાસું અંતિમ તબક્કામાં છે અને રાજ્યભરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
રાજકોટના ગોંડલમાં પણ વરસાદી માહોલ જામ્યો
રાજકોટના ગોંડલમાં પણ સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ વચ્ચે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. શહેરમાં વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ વચ્ચે બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદને લઈને શહેરના રાજમાર્ગો ઉપર પાણી જ પાણી જોવા મળી રહ્યા છે તો બીજી તરફ બપોર બાદ ધમાકેદાર વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની વરસાદને લઈને વધુ એક આગાહી
બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને વધુ એક આગાહી કરી છે. રાજ્યમાં પવન સાથે ભારે વરસાદની શક્યતા હવામાન નિષ્ણાંતે વ્યક્ત કરી છે. 28મીએ દક્ષિણ ગુજરાત કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસવાની અને દક્ષિણ ગુજરાતની નાની નદીઓમાં પુર આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો કેટલાક ભાગોમાં હજુ 3થી 4 ઈંચ વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
વરસાદ બાદ ગરમી પણ પડવાની શક્યતા
આ સાથે જ રાજ્યના પંચમહાલ, લીમખેડા, દાહોદના કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસવાની આગાહી છે. 28 અને 29મી સપ્ટેમ્બરે દરિયા કિનારાના ભાગોમાં વરસાદી ઝાપટાં પડશે અને 29 અને 30 સપ્ટેમ્બરે આકરી ગરમી પડવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, કેટલાક ભાગોમાં 34 ડીગ્રી જેટલી ગરમી પડવાની શક્યતા છે.
રાજ્યમાં આજે કેટલાક જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ
રાજ્યમાં આજે કેટલાક જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. રાજ્યના અમરેલી, ભાવનગર, સુરત, નર્મદા, તાપીમાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે તો બીજી તરફ અમદાવાદ, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુરમાંમાં આજે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે આગામી 24 કલાક માટે માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.