આણંદ શહેરમાં સીખોડ તલાવડી વિસ્તારમાં રહેતી પરિણીતા ગત તારીખ 6 જૂનના રોજ બપોરના સમયે પોતાના બે નાના બાળકો સાથે ઘરે હતી અને તેના પતિ કામ અર્થે બહારગામ ગયા હતા. તે દરમિયાન આણંદ નગરપાલિકાના વોર્ડ નંબર 6નો BJP કાઉન્સિલર દીપુભાઈ ગોરધનભાઈ પ્રજાપતિ આ પરિણીતાના ઘરે ગયો હતો અને વોટ નાખવા અંગેની તમારી પાસે પાવતી આવેલ છે ? તેમ પુછ્યું હતું.
તારો ઘરસંસાર તોડી નખાવીશ તેવી ધમકીઓ આપી
આ દરમિયાન પરિણીતાએ ના પાડતા આ દીપુભાઈ ગોરધનભાઈ પ્રજાપતિએ તેણીનો મોબાઈલ નંબર લીધો હતો અને તમારા મોબાઈલમાં વોટ આપવાની પાવતી વોટસઅપ મારફતે મોકલી આપીશ તેમ જણાવી ત્યાંથી જતો રહ્યો હતો. જે બાદ થોડીવારમાં વોટ આપવાની પાવતી મોકલી આપી હતી. જેના એકાદ કલાક બાદ આ દિપુ પ્રજાપતિએ પરિણીતાને ફોન કરી તમે સારા લાગો છો અને મને ગમો છો. તમારા પતિના વીડિયો મારી પાસે છે તેવું કહેવા લાગ્યો હતો. જેથી પરિણીતાએ ફોન કાપી નાખ્યો હતો. ત્યારબાદ રાત્રીના સમયે આ દિપુ પ્રજાપતિએ ફરીથી પરિણીતાને ફોન કર્યો હતો અને જો તું મારી સાથે વાતચીત નહીં કરે તો તે મારી સાથે જે અગાઉ વાતચીત કરેલ છે, તેનું રેકોડીંગ તારા પતિને મોકલી આપીશ અને તારો ઘરસંસાર તોડી નખાવીશ તેવી ધમકીઓ આપી હતી.
જે બાદ રાત્રિના બારેક વાગ્યાના અરસામાં આ દિપુ પ્રજાપતિ પરિણીતાના ઘરે પહોંચી ગયો હતો અને ધાકધમકીઓ આપી મોઢુ દબાવી રૂમમાં લઈ જઈ, બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજાર્યું હતું અને જો આ વાતની કોઈને જાણ કરીશ તો તારા પતિને તથા તારા બાળકોને જાનથી મારી નાખીશ તેવી ધમકીઓ આપી જતો રહ્યો હતો. આ ધમકીથી પરિણીતા ડરી ગઈ હતી અને પોતાનો ઘર સંસાર તુટે નહીં તે માટે આ અંગેની જાણ કોઈને કરી ન હતી.
એકલતાનો લાભ લઈ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યુ
ત્યારબાદ બાદ ગત 16મી જૂનના રોજ બપોરના 11.30 વાગ્યાની આસપાસ પરિણીતા પોતાના ઘરના દરવાજે ઉભી હતી, તે વખતે ત્યાં રોડ પરથી પસાર થતાં આ દીપુભાઈ ગોરધનભાઈ પ્રજાપતિએ ઈશારો કરી ફોન કરવા કહ્યું હતું. પરંતુ પરિણીતાએ ફોન કર્યો ન હતો. જેથી દિપુ પ્રજાપતિએ સામેથી ફોન કર્યો હતો અને હું તારા ઘરે આવુ છું અને 5-10 મિનિટમાં પાછો જતો રહીશ તેમ જણાવ્યું હતું. જે તે વખતે પરિણીતાએ ના પાડી હતી. તેમ છતાં આ દિપુ પ્રજાપતિ માન્યો ન હતો. જેથી આ દિપુ પ્રજાપતિના ડરથી પરિણીતા પોતાના માતા-પિતાના ઘરે જતી રહી હતી. રાત્રીના નવેક વાગે પરત ઘરે આવી હતી. ત્યારબાદ રાત્રીના દશેક વાગ્યાના અરસામાં જમી-પરવારીને પરિણીતાના પતિ બંને બાળકોને લઈ આઈસ્ક્રીમ લેવા બજારમાં ગયા હતા. તે વખતે આ દીપુ પ્રજાપતિ પરિણીતાના ઘરમાં ઘુસી ગયો હતો અને એકલતાનો લાભ લઈ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું.
આ દરમિયાન પરિણીતાના પતિ ઘરે આવી જતા દીપુભાઈ ગોરધનભાઈ પ્રજાપતિને પકડી લીધો હતો. બુમાબુમ થતાં પરિવારજનો તેમજ આસપાસના રહીશો એકત્રિત થઈ ગયા હતા. બીજી બાજુ આ અંગેની જાણ થતાં દિપુ પ્રજાપતિના બંને ભાઈઓને થતાં તેમના સાગરીતો લાકડી, પાઈપ જેવા હથીયાર લઈને દોડી આવ્યા હતા અને પરિણીતાના પરિવારજનો સાથે મારામારી કરી, દિપુ પ્રજાપતિને લઈ ગયા હતા. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ પણ થઈ હતી. આ બનાવ અંગે પરિણીતાની ફરિયાદને આધારે આણંદ ટાઉન પોલીસે દીપુભાઈ ગોરધનભાઈ પ્રજાપતિ, દિપુભાઈના બંને ભાઈઓ અને સાતેક સાગરીતો વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો.
15 દિવસ બાદ દુષ્કર્મી ઝડપાયો
આ બનાવમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ આ દુષ્કર્મી દિપુ પ્રજાપતિના બંને ભાઈઓ ભરતભાઈ ગોરધનભાઈ પ્રજાપતિ અને કમલેશભાઈ ગોરધનભાઈ પ્રજાપતિની અટકાયત કરી હતી. ત્યારબાદ મારામારીમાં સામેલ દિપુ પ્રજાપતિના અન્ય ચાર સાગરીતોની પણ ધરપકડ કરી હતી. દુષ્કર્મના ગુનાનો મુખ્ય સુત્રધાર દિપુ પ્રજાપતિ પોલીસ પકડથી દૂર નાસતો ફરતો હતો. આ નાસતાં-ફરતાં દિપુ પ્રજાપતિને પકડવા માટે પોલીસની ત્રણ ટીમો કામે લાગી હતી. આખરે પંદર દિવસ બાદ પોલીસની ટીમે દીલીપભાઈ ઉર્ફે દીપુ ગોરધનભાઈ પ્રજાપતિને વાસદ નજીક હાઈવે પરથી ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.