ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી અનપુર્ણાદેવીના વરદ હસ્તે બાળ-વિવાહ મુક્ત ભારત અભિયાનના લોન્ચિંગ કાર્યક્રમ વિજ્ઞાન ભવન, દિલ્હી ખાતે યોજાયો હતો. મંત્રી અનપુર્ણાદેવી દ્વારા બાળ-વિવાહ મુક્ત ભારત અંગેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવેલ સદરહુ કાર્યક્ર્મનું લાઈવ ટેલિકાસ્ટિગથી પ્રસારણ દેશભરમાં કરવામા આવ્યું હતું.
લોકોએ લીધા શપથ
આ કાર્યક્રમ અંતર્ગત બાળકોની સાથે કામ કરતા વિવિધ વિભાગો/કચેરીઓના અધિકારી/કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા જેના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહીર પટેલના માર્ગદર્શન અને સૂચનાથી જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ સદરહું કાર્યક્રમમા વિવિધ કચેરીના અધિકારી/કર્મચારીગણ તેમજ બહોળી સંખ્યામા લોકોએ ભાગ લઈને બાળ વિવાહ મુક્ત ભારત અંગે શપથ લીધા હતા.
પ્રોત્સાહન ઇનામ અપાયું
આ સાથે જિલ્લાની વિવિધ શાળાઓમાં પણ બાળ લગ્ન ભારત અભિયાનનું લાઈવ-ટેલીકાસ્ટ કરાયું હતું. જે અંતર્ગત પાલનપુર તાલુકાની મલાણા હાઈસ્કૂલ ખાતે કાર્યક્રમ યોજાયો હતો જેમાં લાઈવ ટેલીકાસ્ટ તેમજ શાળાના બાળકોને બાળ લગ્ન પ્રતિબંધન અધિનિયમ 2006 અંગે જાણકારી અપાઈ હતી. બાળકો દ્વારા પણ વાલીઓમાં જાગૃતિ આવે તે માટે રેલીનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં બાળ લગ્ન વિષય પર વક્તવ્ય આપનાર વિદ્યાર્થીઓને પ્રયાસ એનજીઓ દ્વારા પ્રોત્સાહન ઇનામ અપાયું હતું.
હેલ્પલાઈન નંબરનો કરો સંપર્ક
આ કાર્યક્રમમાં બાળ લગ્ન પ્રતિબંધ અધિકારી મનીષ જોશી દ્વારા બનાસકાંઠા જિલ્લાના તમામ નાગરિકોને બાળ લગ્ન રોકવાના અભિયાનમાં સહયોગ કરવા અપીલ કરવામાં આવી હતી તેમજ આવા બાળ લગ્નની જો કોઈને જાણ થાય તો 1098 હેલ્પ લાઈન, 100 નંબર તથા 181 મહિલા હેલ્પલાઇન નંબર અથવા તો બાળકના પ્રતિબંધક અધિકારીને કચેરી બનાસકાંઠા ફોન નંબર 02742-52478 પર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું હતું.
જાણો લગ્નની ઉંમર
કાયદા અનુસાર દીકરીની ઉંમર 18 વર્ષ તેમજ દીકરાની ઉંમર 21 વર્ષ કે તેથી ઓછી હોય તો તેવા લગ્ન બાળ લગ્ન ગણાય અને આ ગુના બદલ બાળકના માતા-પિતા તેમજ લગ્નમાં સહભાગી થનાર મંડપ વાળા, રસોઈયા, ફોટોગ્રાફર તેમજ લગ્ન સાથે સંકળાયેલ વ્યવસાય કરતા કોઈ પણ વ્યક્તિ સામે એક લાખનો દંડ અને બે વર્ષની સજાની જોગવાઈ છે.
શાળાનો સ્ટાફ રહ્યો હાજર
આ કાર્યક્રમમાં જયેશભાઈ દવે ચેરમેન ચાઈલ્ડ વેલ્ફેર કમિટી,મનીષ જોશી બાળ લગ્ન પ્રતિબંધ અધિકારી બનાસકાંઠા, ડૉ.આશિષ જોશી જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, જયેશભાઈ જોશી જી.એસ.ટી ઇન્સ્પેક્ટર, સહ ટ્રસ્ટી મલાણા હાઇસ્કુલ અમિતભાઈ વ્યાસ, આચાર્ય મલાણા હાઇસ્કુલ મેઘાબેન પંડ્યા, સામાજિક કાર્યકર પ્રયાસ સંસ્થા તેમજ સ્ટાફ હાજર રહ્યા હતા.