મુંબઇના બિઝનેસમેનની કંપનીની ઓઢવમાં આવેલી બ્રાન્ચમાં વોચમેને ચાર સંબંધીઓ સાથે મળીને કંપનીમાં દબાણ ઉભું કર્યું હતું. કંપની માલિકે જગ્યા ખાલી કરવાનું જણાવતા વોચમેને રૂ. 30 લાખ આપો તો જ અમે બધા અહીંથી જઈશું તેવી માંગણી કરી હતી. ઉપરાંત કંપનીના માલિકને પણ અંદર ઘૂસવા દીધા હતા.
આ અંગે વેપારીએ પાંચ લોકો સામે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.મુંબઈમાં રહેતા મયુરભાઇ શાહ મશીનરીની કંપની ધરાવી ધંધો કરે છે. તેમની કંપનીની બ્રાન્ચ ઓઢવમાં પણ છે. વર્ષ 1986માં તેમના પિતા અને કાકાએ ભેગા મળીને કંપની શરૂ કરી તે સમયે શીવલાલ પાઠક વોચમેન તરીકે નોકરી કરતા હતા. ત્યારબાદ વર્ષ 1994માં તેમનું મોત થતા તેમના પુત્ર રાજેશને વોચમેન તરીકે રાખ્યો હતો. ત્યારબાદ રાજેશને ઓઢવમાં આવેલી બ્રાન્ચમાં વોચમેન તરીકે રાખ્યો હતો. ત્યારે તેને આરામ કરવા પેન્ટ્રી રૂમ પણ તૈયાર કર્યો હતો અને ત્યાં રહેતો હતો. મયુરભાઇ અને તેમના ભાગીદારો મુંબઇની ઓફિસે વધુ ધ્યાન આપતા હતા અને ઓઢવમાં નિરીક્ષણ માટે આવતા-જતા હતા. ત્યારે ધંધાના વિકાસ માટે શું ફેરફાર કરવા તે અંગે ઓઢવમાં આવેલી કંપનીએ મયુરભાઇ અને તેમના કાકા મહેન્દ્રભાઇ ગત 9 એપ્રિલે આવ્યા હતા. તે સમયે રાજેશે દરવાજા પાસે દબાણ ઉભું કર્યું હતું. તેમજ સંબંધીઓ અરવિંદ, રીટા, દર્શન અને ગુણવંત પણ ત્યાં હતા. જેથી રાજેશને પૂછતા તેણે કહ્યું કે, આ બધા વર્ષોથી અહીં રહે છે. જેથી મયુરભાઇએ તેને પગાર લઇને છૂટો થઇ જવા કહેતા તેણે કહ્યું હતું કે, રૂ. 30 લાખ આપો તો અમે બધા અહીંથી જઈશું, રૂપિયા નહીં આપો તો અહીં જ રહીશું. જ્યારે અવારનવાર કહેવા છતા રાજેશ સહિત પાંચેય જગ્યા ખાલી કરતા ન હતા. તેમજ બીજી વાર મયુરભાઇ કંપનીએ આવ્યા તો તેમને અંદર ઘૂસવા દીધા ન હતા. જેથી પોલીસને ફોન કરતા પોલીસ બધાને પોલીસ સ્ટેશન લઇને આવી હતી. આ અંગે મયુરભાઇએ પાંચેય લોકો સામે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.