આદિવાસી સમાજના વિદ્યાર્થી મેનેજમેન્ટ ક્વોટામાં પ્રવેશ મેળવે તો પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ મળશે નહીં. ગુજરાત સરકારનો આ પરિપત્ર આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ માટે અન્યાયકર્તા છે, રાજ્ય સરકારે તાત્કાલિક આ નિર્ણય રદ્ કરવો જોઈએ અને સ્કોલરશીપ પુનઃ શરૂ કરે તેવી માગણી કરાઈ છે, આ મામલે આગામી દિવસોમાં આદિજાતિ વસતિ ધરાવતા જિલ્લાઓ-તાલુકાઓમાં જનઆક્રોશ રેલી યોજી આવેદન પત્ર આપવામાં આવશે અને લડત શરૂ કરાશે, ગુજરાત કોંગ્રેસે પત્રકાર પરિષદમાં આ ચીમકી ઉચ્ચારી છે.
ભાજપ સરકારે ગરીબ આદિવાસી વિરુદ્ધની માનસિકતાનો પરચો આપ્યો છે અને સ્કોલરશીપ પર કાપ મૂક્યો છે. માત્ર ટેકનિકલ કોર્સમાં જ આ વર્ષે આદિવાસી સમાજના એટલે કે એસટી કેટેગરીના 3700 વિદ્યાર્થીએ પ્રવેશ મેળવ્યો છે, જેમને હવેથી સ્કોલરશીપ નહિ મળે. મેટ્રિક પછી નર્સિંગ, ફાર્મસી, ડિપ્લોમા એન્જિનિયરિંગ, ડિગ્રી એન્જિનિયરિંગ, એમબીએ, એમસીએ, એમઈ અને એમ. ફાર્મસીથી લઈને અનેક પેરા મેડિકલ કોર્સમાં સ્કોલરશીપનો લાભ મળતો હતો, જોકે સરકારના નિર્ણયના કારણે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓને અસર થશે. આ મામલે આદિજાતિ વસતિ ધરાવતા તમામ જિલ્લામાં જનજાગૃતિના કાર્યક્રમો ચલાવવામાં આવશે અને સ્કોલરશીપ પુનઃ શરૂ કરવા માગણી કરાશે. ગુજરાત સરકારે 28મી ઓક્ટોબરે પરિપત્ર જાહેર કરીને સ્કોલરશીપ બંધ કરી દીધી છે. મહત્ત્વનું છે કે, વર્ષ 2010થી પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ યોજના અમલમાં આવી હતી અને મેનેજમેન્ટ ક્વોટામાં એટલે કે પેઈડ સીટ પર આદિવાસી સમાજનો બાળક પ્રવેશ મેળવે તો સ્કોલરશીપ માટે હક્કદાર બનતો હતો.