શહેરના વસ્ત્રાપુરમાં ગુલાબટાવર પાસે 11 દિવસ પહેલા એકટિવા પર જતી બે યુવતીને અડફેટે લેનારો યુવક ઝડપાઈ ગયો છે. થાર ચલાવીને અક્સ્માત કર્યા બાદ ઈજાગ્રસ્ત યુવતીને હોસ્પિટલ લઈ ગયો હતો ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
વેજલપુરમાં રહેતી અને થલતેજ કેમ્બે હોટલ પાસેની કોલેજમાં બીએડનો અભ્યાસ કરતી ભૂમી ઝુવાલિયા ગત 5 ડિસેમ્બરે તે તેની મિત્ર શિવાંગી સાથે એક્ટિવા લઇને ગુલાબટાવર પાસે આવેલ ઝેરોક્ષની દુકાને જતી હતી. ત્યારે પુરઝડપે આવી રહેલા થારના ચાલકે ટક્કર મારતા બન્ને યુવતીઓ હવામાં ફ્ંગોળાઇને રોડ પર પટકાઇ હતી. ઘટના બાદ કારચાલક બંનેને સારવાર માટે લઇ જઈને ફરાર થયો હતો. આ અંગે એ ડિવિઝન ટ્રાફ્કિ પોલીસે કારચાલક સામે ગુનો નોધ્યો હતો. આ કેસમાં એસઓજીની ટીમે સીસીટીવીના આધારે તપાસ કરી 23 વર્ષીય રૂષિલ વિપુલભાઇ શાહ ઘાટલોડિયામાં રહેતા આરોપીને ઝડપી પાડયો હતો. આરોપીની પૂછપરછ કરતા તેને મોબાઇલમાં વિડીયો કોલ ચાલતો હોવાથી અકસ્માત કર્યો હતો, આરોપી સામે અગાઉ અનેક ગુના નોધાયા છે. જેમાં તે કોઇ પણ વ્યક્તિ સાથે મિત્રતા કેળવીને તેને વિશ્વાસમાં લઇને તેની પાસેથી રૂપિયા પડાવી લેતો હતો. તેમજ રૂપિયા પરત માંગે તો રૂપિયા ટ્રાન્સફર કર્યાનો ખોટો મેસેજ બતાવતો હતો. ત્યારે મિત્રની ભાર્ગવસિંહની કારથી અકસ્માત કર્યો હતો. મહત્વનું છે કે રુષિલ શાહ છેલ્લા બે મહિનાથી તેના મિત્રની કાર લઇને ફરતો હતો. તેની સામે વર્ષ 2018થી અત્યારસુધીમાં બોડકદેવ, ઘાટલોડિયા, સેટેલાઇટ અને નારણપુરામાં છેતરપિંડીના ગુના નોંધાઇ ચૂક્યા છે.