CBI-દિલ્હી પોલીસના અધિકારી તરીકે વાત કરી વૃદ્ધને ડીજીટલ એરેસ્ટનો ડર બતાવી 1.15 કરોડની રકમ પડાવનાર રાજસ્થાનના નાગૌર જિલ્લાના શિવરાજ રાનિવાસ જાટ અને નથુરામ નિમ્બારામ જાટ તેમજ બાલોતરા જિલ્લાનો કમલેશ મોહનલાલ બિશ્નોઈની ત્રિપુટીને સાયબર સેલે ઝડપી લીધી છે.
ત્રણેયે વૃદ્ધને પોલીસ અધિકારી તરીકે કોલ કરી તમારા આધારકાર્ડથી બૂક થયેલા પાર્સલમાં ડ્રગ્સ, 16 પાસપોર્ટ અને 58 એટીએમ કાર્ડ મળ્યા હોવાથી ફરિયાદ થઈ છે. તમે મનીલોન્ડરીંગ તેમજ ડ્રગ્સની હેરાફેરી કરતા હોવાથી તમારૂ વોરંટ છે. દિલ્હી કોર્ટના વોરંટની ફેક કોપી મોકલી ફરિયાદીને ડરાવી વિડીયો કોલ પર બેંક ખાતાની વિગતો લઈ 1.15 કરોડ ટ્રાન્સફર કરી આરોપીએ ફ્રોડ કર્યું હતું. સાયબર સેલે આ મામલે 74.60 લાખની રકમ બચાવી હતી.
શહેરમાં રહેતાં સિનિયર સિટીઝને છ દિવસ અગાઉ સાયબર સેલમાં અજાણ્યા શખ્સો સામે ફરિયાદ કરી હતી. જે મુજબ વૃદ્ધને વોટસએપ કોલ કરી આરોપીએ દિલ્હી પોલીસના અધિકારી તરીકે ઓળખ આપી જણાવ્યું હતું કે, તમારા આધારકાર્ડથી મોકલવામાં આવેલા પાર્સલમાં 16 પાસપોર્ટ, 58 એટીએમ કાર્ડ અને 140 ગ્રામ ડ્રગ્સ હોવાથી તમારી સામે પોલીસ ફરિયાદ હોવાથી કોર્ટે એરેસ્ટ વોરંટ ઈસ્યુ કર્યું છે. આ રીતે ફરિયાદીને વીડિયો કોલ પર તપાસના નામે ડિજીટલ એરેસ્ટનો ડર બતાવી બેંક ખાતાની માહિતી લઈ વેરીફાઈ કરવા માટે 1.15 કરોડ આરોપીઓેએ તેમના ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા.
એક આરોપી BA સુધી જ્યારે અન્ય બે ધો-9 અને ધો-12 સુધી ભણેલા
પોલીસ તપાસમાં ખુલેલી વિગત મુજબ પકડાયેલા ત્રણે આરોપીમાંથી એક પણ કમ્પ્યુટર કે આઈટીનો અભ્યાસ કરેલો નથી. કમલેશનો બી.એ. સુધીનો અભ્યાસ તેમજ અન્ય બે આરોપીમાં શિવરાજ ધો-9 સુધી અને નથુરામ ધો-12 સુધી ભણેલા છે.
ત્રણે આરોપીને કોર્ટે 9 દિવસના રિમાન્ડ આપ્યા ।
કોર્ટે ત્રણેય આરોપીને નવ દિવસ સુધીના રિમાન્ડ પર સોંપવાનો હુકમ કર્યો હતો. પકડાયેલા આરોપીઓની ભૂમિકા બેંક એકાઉન્ટ ધારકોની તેમજ ખાતામાં જમા થયેલા નાણાં વિડ્રો કરવા પુરતી છે. આમ અન્ય આરોપીના નામ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.