વંદે ભારત ટ્રેનોમાં હવે સ્લીપર કોચ પણ જોડીને ટ્રેનની મુસાફરીને વધુ આરામદાયક બનાવાશે. અત્યાર સુધી દેશભરમાં વંદે ભારત ટ્રેનો ફક્ત સિટિંગ કોચ સાથે દોડાવાતી હતી. વંદે ભારત સ્લીપર ટ્રેનસેટ તૈયાર થઇ ગયો છે અને આગામી દિવસોમાં તેનું ફિલ્ડ પરીક્ષણ પણ કરવામાં આવનાર છે. અમદાવાદ-ગાંધીનગરથી ઉપડતી ચાર વંદે ભારત ટ્રેનોમાં હવે આગામી સમયમાં સ્લીપર કોચમાં મુસાફરી કરવા મળશે.
ભારતની પ્રિમિયમ ટ્રેન ગણાતી વંદે ભારત ટ્રેનો સ્લીપર કોચ સાથે દોડાવાની કામગીરી ચાલી રહી છે. હાલમાં લાંબા અને મધ્યમ અંતરની મુસાફરી માટે બનાવાયેલી આ વંદે ભારત સ્લીપર ટ્રેન આધુનિક સુવિધાઓથી સજ્જ રહેશે. જેમાં અનેક વિશેષતાઓ અને સુવિધાઓ ઉપલબ્ધ રહેશે.
ઇએન-45545 એચએલ-3 અગ્નિ સુરક્ષા પ્રલાણીથી કોચ સજ્જ હશે. બ્રેકની અત્યાધુનિક સિસ્ટમ, ઓછા આંચકા આવવા, ઝડપથી ગતિ પકડી શકે તેવી સિસ્ટમથી સજ્જ હશે. મુસીબતના સમયે મુસાફર, ટ્રેન મેનેજર અને લોકોપાયલોટ વચ્ચે ટોક-બેંકની વિશેષ સુવિધા હશે. પ્રત્યેક કોચમાં સુલભ શૌચાલય, એક જગ્યાએથી સંચાલન કરી શકાય તેવા સ્વચાલિત પ્લગ દરવાજા અને સીલબંધ પહોળા ગૈંગવે, ઉપર બર્થ પર ચઢવા માટે અર્ગોનોમિક રૂપથી ડિઝાઇન કરેલી સીડીઓ, એર કંડિશનિંગ, સૈલૂન લાઇટિંગ વગેરે જેવી સુવિધા હશે. તમામ કોચમાં સીસીટીવી પણ હશે. નોંધપાત્ર છેકે હાલ મુંબઇ-અમદાવાદ, મુંબઇ – ગાંધીનગર, સાબરમતી-જોધપુર અને અમદાવાદ-ઓખા વચ્ચે એક મળીને કુલ ચાર વંદે ભારત ટ્રેનો હાલ અમદાવાદ વિભાગમાંથી દોડી રહી છે.