અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં છેલ્લા 24 કલાકમાં તાપમાનનો પારો બેથી અઢી ડિગ્રી જેટલો ઉચકાતા અચાનક જ ઠંડીનું જોર ઘટી ગયું છે. બીજી તરફ બનાસકાંઠા અને કચ્છ પંથકમાં ઠંડીનો ચમકારો યથાવત્ રહ્યો છે. કચ્છના નલિયામાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી, કંડલા એરપોર્ટ પર 14.6 ડિગ્રી અને ડિસામાં 14.6 ડિગ્રી તાપમાન સાથે ત્રણેય શહેર રાજ્યના સૌથી ઠંડાગાર રહ્યાં હતાં.
અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો આજે મંગળવારે લઘુત્તમ તાપમાન 18.6 ડિગ્રી અને મહત્તમ તાપમાન 31 ડિગ્રીને પાર પહોચી ગયુ હતું. શહેરનું લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 3.4 ડિગ્રી વધુ નોંધાતા વહેલી સવાર અને મોડી રાતની ઠંડીનું જોર પણ સાવ ઘટી ગયુ છે. અમદાવાદ શહેરમાં એક જ દિવસમાં અચાનક તાપમાનનો પારો ઉચકાતાં ઠંડીનો ચમકારો ઘટી ગયો છે.