નવરાત્રિ મહોત્સવ દરમિયાન સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીનો બફાટ સામે આવ્યો છે. નવરાત્રિને લવરાત્રિ ગણાવી અનુપમ સ્વરૂપ સ્વામીએ વિવાદિત નિવેદન આપ્યું છે. અનુપમ સ્વરૂપ સ્વામીએ નવરાત્રિને ફેશન રાત્રિ પણ કહ્યું છે. વધુમાં અનુપમ સ્વરૂપ સ્વામીએ કહ્યું કે નવ દિવસનો નાઈટ ફેશન શો છે અને તમામ દિકરીઓને ફસાવવાનું આ જાહેર આમંત્રણ છે.
નવરાત્રિને સ્વામીએ લવરાત્રિ કહ્યું
ગુજરાતીઓના પ્રિય તહેવાર નવરાત્રિને સ્વામીએ લવરાત્રિ કહ્યું છે. આ નવ દિવસનો નાઈટ ફેશન શો છે. નવરાત્રિમાં માતાજીની પુજા અને અરાધના કરવા નહીં પણ વાસનાના પુજારીઓની પુજાના દિવસો આવ્યા છે. સ્વામીએ કહ્યું કે કેટલીક દીકરીઓને બગાડવાનું જાહેરમાં આમંત્રણ લીગલ નોટીસની સાથે છે. મેં સાંભળ્યુ છે કે સમાજનું સૌથી મોટુ દૂષણ એટલે છૂટાછેડા. કોઈએ એક પોસ્ટમાં કારણો લખ્યા હતા કે સમય ઓછો આપવામાં આવતો હશે અને ગંદુ ચરિત્ર, વાતચીત ઓછી કરવી, માન ના આપવું અને ખોટી રીતે વધતી જતી જરૂરિયાત જેવા કારણો હતા.
નવરાત્રિમાં મહિલાઓને રાવણની નજરે જોવાય છે
ત્યારે કોઈકે એવું પણ લખ્યુ હતું કે નવરાત્રિના કારણે જ છૂટાછેડા થાય છે. ત્યારે સ્વામીએ કહ્યું કે લખનારે કંઈક વિચાર કરીને જ લખ્યુ હશેને. નવરાત્રિ ગુજરાતીઓની ઓળખ છે અને તે લવરાત્રિ તરીકે ઓળખાય તે કેવી લાચારી કહેવાય. જે નવરાત્રિ દરમિયાન માતાજીના નવ સ્વરૂપોની પુજા કરવામાં આવે છે અને ઉપાસના થાય તે નવરાત્રિમાં મહિલાઓને રાવણની નજરે જોવાય તે કેવી લાચારી. જો નવરાત્રિમાં જે સ્ત્રીને દેવી સ્વરૂપે જોવામાં આવતી હતી, તે સ્ત્રીને મનોરંજનના સાધાન કે ટિકિટના વધુ ભાવ લેવાના એક સાધન તરીકે જોવામાં આવે છે.
નવરાત્રિમાં હિન્દી ગીતો વગાડવામાં આવે છે
સ્વામીએ વધુમાં કહ્યું કે વર્ષો પહેલા નવારાત્રિમાં માતાજીની આરતી કરીને, ત્યારબાદ ગરબા અને કિર્તન અને માતાજીની સ્તુતિ ગાવામાં આવતી હતી. આજના જમાનામાં કિર્તનો માત્ર નામના ગવાય છે અને તેની જગ્યાએ ફટાણા અને બોલિવુડના હિન્દી ગીતો ગાવામાં આવે છે અને તેની પર યુવાનો ગરબે રમે છે, જેનો માતાજી સાથે દૂર દૂર સુધી કોઈ સંબંધ નથી. હાલના સમયમાં નવરાત્રિમાં માતાજીની પુજા, ભક્તિ, સેવા કે ઉપાસના જેવો કોઈ હેતુ જોવા મળતો નથી.
પહેરવેશના નામે માત્ર અંગ પ્રદર્શન: અનુપમ સ્વરૂપ સ્વામી
પહેલાના જમાનામાં નવરાત્રિમાં બહેનોના ચહેરા પર લાજ, શરમ અને નીચી નજર રૂપી પડદા હતા અને પહેરવેશ પણ સાક્ષાત માતાજી જેવો હતો પણ આજના જમાનામાં લાજ અને શરમ સાવ માળીયે મુકાઈ ગઈ છે અને પહેરવેશના નામે માત્ર અંગ પ્રદર્શન જ કરવામાં આવી રહ્યું છે.