શહેર નગરદેવી ભદ્રકાળી મંદિરે દર્શન કરવા જવામાં દર્શનાર્થીઓને સમસ્યા સર્જાતી હોવાનો મ્યુનિ. કોર્પોરેશનના પૂર્વ મેયર અને ભાજપના વર્તમાન ધારાસભ્યે રોષ વ્યક્ત કર્યો હતો. ગેરકાયદે દબાણ દૂર કરવા મ્યુનિ.ના પૂર્વ મેયરે કમિશનરને રજૂઆત કરી છે. દબાણ દૂર કરવા અગાઉ બનાવેલી એન્ફોર્સમેન્ટ કમિટીની નિષ્ક્રિયતાનું પરિણામ છે.
આશ્ચર્ય વાત એ છે કે, ધારાસભ્ય પોતે પૂર્વ મેયર હતાં ત્યારે પણ ભદ્ર ખાતે આવી જ સ્થિતિ હતી. ત્યારે દબાણો દૂર કરવાની પૂરતી કાર્યવાહી કરાઇ નથી અને હવે દબાણને લઇને હોબાળો કરી રહ્યા હોવાથી ભાજપના જ કોર્પોરેટરોમાં આૃર્યની લાગણી ફેલાઇ ગઇ છે.
મ્યુનિ. દ્વારા જાહેર કરાયેલા હેરિટેજ પ્રોપર્ટીમાં ભદ્રકાળી મંદિરની મહત્ત્વતા વધુ છે. કારણ કે ભદ્રકાળી મંદિર અમદાવાદની નગરદેવી છે. ભદ્રકાળી માતાના મંદિરે હાલ એટલી હદે દબાણો વધી ગયા છે કે, ત્યાં ચાલતા જવું હોય તો પણ લોકોને મુશ્કેલી પડે છે. કોર્પોરેશનને જ ભદ્રને ડેવલપ કરીને ગરીબ અને છૂટક ફેરિયાઓને રોજગારી મળે તે માટે કાયદેસર વેન્ડરો (ફેરિયા)ને બેસાડયા હતાં. પરંતુ સમય જતાં રોજગારીના નામે હવે ગેરકાયદે દબાણોનો રાફડો ફાટી ગયો છે. સ્થાનિક માથાભારે તત્ત્વો જ સમગ્ર સિસ્ટમ ચલાવી રહ્યા છે, તેઓની હપ્તાખોરી સિસ્ટમ જગજાહેર હોવા છતાં તંત્ર પગલાં ભરતું નથી. દબાણો દૂર કરવા તદ્દન નિષ્ફળ ગયું છે.